કલમ ૬૭(૧)નો દુરુપયોગ કરીને તપાસને નામે દરોડા પાડતા CGST અધિકારીઓ
મોડી સાંજે દરોડો પાડો, પૈસા પડાવી નીકળી જતાં અધિકારીઓ, કલમ 67(2)ની મંજૂરી હોય તો જ દરોડો પાડી શકાય
કલમ ૬૭(૧)માં માત્ર વેપારીના ચોપડાં જોવાની, જીએસટીનું રજિસ્ટર ચેક કરવાની અને સ્ટોક વેરિફાય કરવાની જ સત્તા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
સેન્ટ્રલ જીએસટીના પ્રિવન્ટિવ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઇન્સ્પેક્શન કરવાને નામે દરોડાની કાર્યવાહી કરીને વેપારીઓને ખંખેરી રહ્યા હોવાની ઘટનાઓ બહાર આવી રહ્યા છે. તેમની મોડસ ઓપરેન્ડીમાં સાંજે ચાર સાડાચાર પછી તપાસ ચાલુ કરીને વેપારીને ડરાવી ધમકાવીને મોટી રકમ લઈને નીકળી જાય છે.
સીજીએસટીના અધિકારીઓ કલમ ૬૭(૧) હેઠળ તપાસ કરવાની પરવાનગી લઈને આવે છે. કલમ ૬૭(૧) હેઠળ તેમને માત્ર ને માત્ર વેપારીના ચોપડાં જોઈ શકે છે. જીએસટીનું રજિસ્ટર જોઈ શકે છે. તેમ જ તેમનો સ્ટોક વેરિફાય કરી શકે છે. તેનાથી વિશેષ સત્તા તેમને હોતી જ નથી. આ સત્તાનો દુરુપયોગ કરીને વેપારીના ત્યાં સર્ચ એટલે કે દરોડાની કાર્યવાહી કરવા માંડી જાય છે. દરોડાની કાર્યવાહી માટે કલમ ૬૭(૨) હેઠળની મંજૂરી હોવી જરૃરી છે.
પરંતુ વેપારીઓને આ હકીકતની જાણ હોતી જ નથી. ત્યારબાદ તેઓ વેપારીઓને તેને નામે ડરાવી અને ધમકાવી નાખે છે. વેપારીઓ ત્યાં દરોડો પાડવામાં આવ્યો હોવાનું જણાવીને તેમની માનસિક દબાણ હેઠળ લાવી દે છે. ઇન્સ્પેક્શનના પાવર લઈને જ આવે છે. તેને નામે દરોડા ચાલુ કરી દે છે.
વેપારીઓના લોકર તોડવાની ધમકી આપે છે. મોબાઈલ ફોન ચેક કરવા માંડી જાય છે. વેપારીઓના દરેક ડ્રોઅર તપાસે છે. આ પ્રકારની સત્તા ન હોવા છતાં તપાસ કરીને વેપારીઓ પર દબાણ લાવીને ચારથી પાંચ કલાક બાદ મોટી રકમનો તોડ કરીને નીકળી જાય છે. વેપારીઓ આ અંગે ફરિયાદ પણ કરી શકતા નથી. આમ અમદાવાદ અને ગુજરાતની વેપારીઆલમ નવા જ પ્રકારના ટેક્સ ટેરરિઝમનો સામનો કરી રહ્યા છે.

