Get The App

GST અપીલના કેસોની સેંકડો અરજીઓની સુનાવણી સાત વર્ષથી થતી નથી

સ્ટેટ જીએસટીની ટ્રિબ્યુનલ આઠ વર્ષે પણ રચાઈ નથી: નવા રજિસ્ટ્રેશન સામેની અપીલ તાકીદે ચલાવવાની હોવા છતાં દોઢથી બે વર્ષથી ચાલી નથી

ચેકપોસ્ટ પર રોકીને જપ્ત કરવામાં આવેલી ગાડીઓ માટે કલમ ૧૨૯ અને ૧૩૦ હેઠળ કરેલા કેસની અપીલો પણ સાત વર્ષથી પેન્ડિંગ

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
GST અપીલના કેસોની સેંકડો અરજીઓની સુનાવણી સાત વર્ષથી  થતી નથી 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર

ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીમાં અપીલના કેસોની છેલ્લા સાત વર્ષથી હિયરિંગ જ થતી ન હોવાથી વેપારીઓની હાલાકીનો પાર રહ્યો નથી. તેમાંય ખાસ કરીને નવા જીએસટી રજિસ્ટ્રેશન માટેની નકારી કાઢેલી અરજીઓના કેસમાં તાકીદે હિયરિંગ થવું જરૃરી હોવા છતાંય હિયરિંગ ન થતું હોવાથી વેપારીઓ તેમનો ધંધો જ કરી શકતા નથી. આ પ્રકારની અંદાજે ૭૦૦થી ૧૦૦૦ અરજીઓ પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. વેપારીઓના રજિસ્ટ્રેશન ન થાય તો તેમનો ધંધો ન થાય અને ધંધો ન થાય તો સરકારની જીએસટીની આવક પણ થતી નથી. છતાં કોઈ પગલાં લેવાતા નથી.

આ સિવાય પણ બીજી ૧૫૦૦ અરજીઓ પેન્ડિંગ પડી છે. બીજીતરફ ચેકપોસ્ટ પર રોકવામાં આવેલી અને જપ્ત કરવામાં આવેલી માલ ભરેલી ગાડીઓ સામે એસજીએસટી એક્ટની કલમ ૧૨૯ અને કલમ ૧૩૦ હેઠળ કરવામાં આવેલા કેસોની અપીલ પણ વરસોના વરસ ચાલતી ન હોવાથી વેપારીઓના માલ અને નાણાં બંને સલવાયેલા રહે છે.

અમદાવાદમાં આ પ્રકારની મેક્ઝિમમ અરજીઓ પેન્ડિંગ છે. તેને માટે સ્ટેટ જીએસટી કચેરી કારણો આપતા જણાવે છે કે તેમની પાસે દોઢ બે વર્ષથી સ્ટાફ જ નથી. સ્ટાફ છે ત્યાં વર્કલોડ એટલો વધારે છે કે તેઓ અપીલના કેસ ચલાવી શકતા જ નથી. રજિસ્ટ્રેશન મળી ગયા પછી એડ્રેસ ચેન્જ માટે કરવામાં આવતી અરજીઓનો પણ મહિનાઓ સુધી નિકાલ કરવામાં આવતો નથી. પરિણામે એડ્રેસ બદલનારા વેપારીઓને તકલીફ પડી રહી છે. કારણ કે તેમના રજિસ્ટ્રેશન જૂના સરનામા પર થયેલા છે.

બીજું વેપારીનો માલ લઈ જતી ગાડી ચેકપોસ્ટ પર પકડાઈ હોય અને વેપારીએ તે વખતે જે તે ભરવાની રકમ અને દંડ ભરી દઈને માલ બગડી જતો અટકાવવા ગાડી છોડાવી લીધી હોય અને અપીલમાં ગયા હોય તેવા કેસમાં પણ અપીલો ચાલતી ન હોવાથી વેપારી આલમ પરેશાન છે. આ પ્રકારની અપીલો તો ૨૦૧૭માં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી ચલાવવામાં આવતી જ નથી. છેલ્લા સાત વર્ષથી આ પ્રકારની સેંકડો અપીલો પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જીએસટીમાં કલમ ૧૨૯ અને કલમ ૧૩૦ બંને લાગુ કરવામાં આવે છે. કલમ ૧૨૯માં ચેકપોસ્ટ પર પકડાયેલા માલ પર લાગતી ડયૂટીની રકમ જેટલી જ રકમ વધારે જમા કરાવવી પડે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો રૃ.૧૦૦ના માલ પર ૧૮ ટકા ટેક્સ ભર્યો હોય અને તે ગાડીને કોઈ કારણોસર ચેકપોસ્ટ પર પકડવામાં આવે તો તે વેપારી પાસે રૃ. ૩૬ દંડ પેટે વસૂલવામાં આવે છે. આમ સો ટકા દંડ કરવામાં આવે છે. કલમ ૧૩૦ લગાડવામાં આવે તો રૃ. ૧૦૦ના બિલ પર રૃ. ૧૮ જીએસટી પેટે ભરવાનો થતો હોય તો તેવા કિસ્સાઓમાં જો કલમ ૧૩૦ લાગુ કરવામાં આવે તો તે વેપારી પાસે રૃ. ૧૮ની બદલે રૃ. ૫૪ જીએસટી પેટે વસૂલવામાં આવે છે. તદુપરાંત માલની કિંમતના રૃ. ૧૦૦ અલગથી ભરાવવામાં આવે છે. આમ રૃ. ૧૦૦ના માલ પર રૃ. ૧૫૪ ભરાવવામાં આવે છે.

સ્ટેટ જીએસટી દ્વારા કલમ ૧૨૯ કે પછી કલમ ૧૩૦ હેઠળ ભરાવવામાં આવતા નાણાં વેપારીઓને ક્યાંય મજરે આપવામાં આવતા જ નથી. આ નાણાંને કોઈપણ રીતે સેટ ઓફ કે એડજસ્ટ કરી શકાતા નથી. હા, વેપારી અપીલમાં જાય અને અપીલમાં વેપારીની તરફેણમાં ચૂકાદો આવે તો તેવા સંજોગોમાં જ વેપારીને પૈસા પરત મળી શકે છે. અન્યથા પૈસા બ્લોક થઈ જાય છે. આમ છેલ્લા સાત વર્ષે સેંકડો કેસોમાં કરોડો રૃપિયા બ્લોક થઈ ગયેલા પડયા છે.

આ કેસો ચલાવવાની જવાબદારી ડેપ્યુટી કમિશનર અપીલની છે. ગુજરાતમાં અપીલ ચલાવવા માટે ૧૫થી ૨૦ ડેપ્યુટી કમિશનર અપીલ છે. આ કેસોનો નિકાલ કરવા માટે ચીફ કમિશનર રાજીવ ટોપનો, સ્પેશિયલ કમિશનર ભારતી મેડમ અને એચ.સી. હેરમા જવાબદાર છે. તેમની દલીલ છે કે અત્યારે ટ્રિબ્યુનલ બની જ નથી. તેથી કેસ ચાલતા જ નથી.

ટ્રિબ્યુનલ માટેના નિયમો બે મહિના પૂર્વે બની ગયા છે. જીએસટી આવ્યાને આઠ વર્ષ પૂરા થવા આવ્યા છે છતાં ટ્રિબ્યુનલ બની જ નથી. ટ્રિબ્યુનલ ક્યારે બનશે તેનો હજી અણસાર મળતો નથી. ટ્રિબ્યુનલ માટે જજ પણ નિમાયા નથી.

વેપારી હાજર થાય તો પણ ટ્રાન્સપોર્ટર્સની ગાડી છોડતા નથી

ચેકપોસ્ટ પરથી પકડાયેલી ગાડીઓના કિસ્સામાં કલમ ૧૩૦ હેઠળ ઓર્ડર કરવામાં આવ્યો હોય અને બહુ જ મોટી રકમ ભરવાની આવી હોય તો તેવા સંજોગોમાં વેપારીઓ ૨૫ ટકા રકમ ભરીને અપીલમાં જવાનું પસંદ કરે છે. આ રીતે ૨૫ ટકા રકમ જમા કરાવી હોવા છતાંય તેમનો માલ અને ગાડી છોડવામાં આવતા જ નથી. વેપારી સો ટકા રકમ જમા કરાવે તો જ માલ અને ગાડી છોડે છે. સ્ટેટ જીએસટીએ ઊભી કરેલી ડિમાન્ડની રકમમાંથી ૨૫ ટકા ભરીને અપીલમાં ગયેલા વેપારીની અપીલ પણ ચાલતી નથી અને ગાડી કે માલ છૂટતા જ નથી. વેપારીએ ટ્રાન્સપોર્ટરને તેની રોજની રકમ ચૂકવવાની આવે છે. ટ્રાન્સપોર્ટર્સની આવક અટકી જાય તો તેની ગાડીના હપ્તા ભરાતા નથી. તેથી ગાડીની લોનના વિવાદ ઊભા થાય છે. સ્ટેટ જીએસટીએ રોકેલી ગાડી અમદાવાદના ચાંગોદર, સનાથળ, રામોલ વિસ્તારમાં ઊભા કરેલા પાર્કિંગમાં રાખવામાં આવે છે. આ પાર્કિંગનું પણ રોજનું રૃ.૨૦૦નો ભાડું ભરવાની જવાબદારી વેપારીને માથે આવે જ છે. નિયમ મુજબ ગાડી જપ્ત કર્યા પછી વેચનાર કે ખરીદનાર વેપારી હાજર થઈ જાય તો તેવા કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટર્સની જવાબદારી પૂરી થઈ જાય છે. ટ્રાન્સપોર્ટર્સની ગાડી ઊભી રાખવાની જરૃર જ નથી. છતાં માલ રાખવા માટે સ્ટેટ જીએસટી પાસે ગોદામ ન હોવાથી ટ્રકને છોડતા નથી. પરિણામે ટ્રાન્સપોર્ટર્સની હાલાકીમાં પણ વધારો થાય છે.

Tags :