કરોડોની GST ચોરીના આરોપી જામનગરના CA સામે રાજકોટમાં ગુનો : વેપારીને GSTમાંથી નોટિસ મળતાં ભાંડો ફૂટયો, રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ
રાજકોટ, : કરોડોની જીએસટી ચોરીના કૌભાંડના આરોપી જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા સામે રાજકોટમાં તેના સંબંધીની જાણ બહાર તેના જીએસટીના આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી ખોટા બિલોની ડેટા એન્ટ્રી જીએસટી પોર્ટલ પર કરી અન્ય વેપારીઓને વેરાશાખ તબદીલ કરી તેની સાથે રૂા. 4.62 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
જીવરાજ પાર્કમાં નંદન રેસિડેન્સીમાં રહેતાં પ્રકાશભાઈ કમાણી (ઉ.વ. 37)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2017માં બીગબઝાર પાસે ચંદ્રપાર્ક-2ની બાજુમાં સિધ્ધી વિનાયક હોલીડેસ નામની પેઢી શરૂ કરી હતી. 2019માં પેઢી બંધ કરી દીધી હતી. તેની પઢીના એકાઉન્ટ અને રીટર્નસનું કામ તેના ફઈનો પુત્ર અલ્કેશ કરતો હતો. 2019માં પેઢી બંધ કર્યા બાદ તેણે અલ્કેશને જીએસટી નંબર રદ કરાવવાનું કહ્યું હતું.
ત્યાર પછી અલ્કેશે તેને કહ્યું કે ધંધો મોટાપાયે કરવો હોય તો આપણે પ્રાઈવેટ કંપની બનાવીએ. જેથી તેણે 150 ફૂટ રિંગ રોડ ઉપર ઈમ્પિરીયલ હાઈટસમાં આલ્પાઈન થાઈડ્રીમ્સ નામની ટ્રાવેલ કંપની શરૂ કરી હતી. જે હાલ મોકાજી સર્કલ પાસે શાશ્વત સ્પેસમાં કાર્યરત છે. કંપનીમાં તેની સાથે અલ્કેશની પત્ની શ્રુતિ અને તેના ઓળખીતા મોનાબેન ડિરેકટર હતા. કંપનીનું જીએસટી રીર્ટન અને ઓડિટનું કામ અને તેના પર્સનલ ટેક્ષનું કામ અલ્કેશ સંભાળતો હતો.
જેથી કંપનીના તમામ ડોકયુમેન્ટ ઉપરાંત જીએસટી રીર્ટનસના આઈડી પાસવર્ડ તેની પાસે હતા. થોડા દિવસો પહેલાં તેને જીએસટી કચેરીમાંથી સમન્સ મળતાં હાજર થયા હતા. જયાંથી જાણવા મળ્યું હતું કે અલ્કેશે તેની સિધ્ધી વિનાયક હોલીડેસના જીએસટી નંબર ચાલુ રાખી ઉપરાંત હાલની પેઢીના જીએસટી નંબરના આધારે તેની જાણ બહાર ખરીદ-વેચાણના બિલ જીએસટી પોર્ટલ પર દર્શાવ્યા હતા.
જેના નામના બિલ હતા તેને પોતે ઓળખતા પણ નથી. આ રીતે અલ્કેશે સિધ્ધી વિનાયક હોલીડેસના નામે 11.72 કરોડની ખરીદી અને તેની સામે રૂા. 12.59 કરોડનું વેચાણ દર્શાવી ખોટી વેરાશાખ અન્ય વેપારીને તબદીલ કરી છે. જે માટે તેને નિયમ મુજબ જીએસટીના રૂા. 2.25 કરોડ ભરવાના છે. જયારે હાલની કંપનીના નામે રૂા.13.38 કરોડની ખરીદી સામે રૂા.13.14 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જે બદલ તેને નિયમ મુજબ જીએસટીના રૂા.ર.૩૬ કરોડ ભરવાના છે.


