મહેસૂલ તલાટીની આવતીકાલે પરીક્ષા, રાજ્યના 23 જિલ્લાઓમાં 3.99 લાખ ઉમેદવારો આપશે એક્ઝામ
Revenue Talati Preliminary Exam : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે આવતીકાલે રવિવારે (14 સપ્ટેમ્બર) તલાટીની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના 23 જિલ્લાઓમાં 1,384 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, 3.99 લાખ જેટલાં ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે.
GSSSB હેઠળ જાહેરાત ક્રમાંક 301/202526, મહેસૂલ તલાટી વર્ગ-3 ની પ્રિલિમિનરી પરીક્ષામાં આવતીકાલે યોજાવાની છે, ત્યારે રાજ્યના અલગ-અલગ એક્ઝામ સેન્ટર ખાતે લાખો ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે
આ પણ વાંચો: ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતના 23 જિલ્લામાં મહેસૂલ તલાટીની પ્રિલિમિનરી પરીક્ષા 14 સપ્ટેમ્બરે યોજાવાની છે, ત્યારે પરીક્ષામાં ગેરરીતિ સહિતની બાબતને લઈને GSSSBએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, પરીક્ષામાં છેતરપિંડી કે પેપર લીક જેવી ઘટનાને અંજામ આપનારા સામે ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2023 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.