જીએસએફસીના બરતરફ કામદારોએ વેતન મુદ્દે કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો
કંપની તરફથી સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણાં યથાવત રાખવાની ચીમકી
જીએસએફસી કંપનીમાંથી બરતરફ કામદારોને વેતન ચૂકવવા કોર્ટનો આદેશ હોવા છત્તા કંપનીએ કર્મચારીઓના વેતન ઉપર પાછલા છ મહિનાથી બ્રેક લગાવતા કર્મચારીઓએ કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો.
જીએસએફસી કંપનીના વર્ષ 2001થી ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા 105 જેટલા કામદારોને વર્ષ 2020માં બરતરફ કરાયા હતા. કંપનીના વલણથી નારાજ કર્મચારીઓએ નામદાર કોર્ટ સમક્ષ દાદ માંગતા કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને તેઓને વેતન ચૂકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય 30 જેટલા કર્મચારીઓનો દાવો હાલ પેન્ડિંગ છે. આદેશ મુજબ કંપની તરફથી કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવી રહ્યું હતું. પરંતુ, વર્ષ 2025 ફેબ્રુઆરીથી કંપનીએ કર્મચારીઓના વેતન ચુકવણા ઉપર રોક લગાવી હતી. પરિણામે કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ બની હતી. દરમ્યાન આજે કર્મચારીઓએ એક્ટ જીએસએફસી કંપનીના મુખ્ય દરવાજા પાસે એકત્ર થઈ ધરણાં યોજ્યા હતા. ઘટનાની જાણ થતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ સ્થળ પર દોડી ગયા હતા. ધારાસભ્યની ઉપસ્થિતિમાં કર્મચારીઓ અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠકમાં કંપની તરફથી જવાબ આપવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. બીજીતરફ કર્મચારીઓનું કહેવું હતું કે, જ્યાં સુધી જવાબ નહીં મળે અમે ધરણાં યથાવત રાખીશું. જ્યારે ધારાસભ્યનું કહેવું હતું કે, કોર્ટના આદેશનુ કંપનીએ પાલન કરવું જોઈએ, નહીં તો સુખદ સમાધાન હેતુ રણનીતિ નક્કી કરાશે. કર્મચારીઓના ધરણાના પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.