Get The App

વડોદરામાં ડ્રેનેજ લાઈનની જીઆરપી ટેકનોલોજી આધારિત કામગીરીનો પ્રારંભ

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ડ્રેનેજ લાઈનની જીઆરપી ટેકનોલોજી આધારિત કામગીરીનો પ્રારંભ 1 - image


Vadodara Corporation : વડોદરામાં ચોમાસા દરમિયાન મુજમહુડા રોડ પર સૌથી વધુ ભૂવા પડ્યા હતા. જમીનમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈન જર્જરીત થવાના કારણે અને તેમાં પાણીનું પ્રેશર વધતા ભૂવા પડ્યા હતા. વડોદરા કોર્પોરેશન હવે અહીં નવી જીઆરપી (ગ્લાસ રીઇન્ફોર્સડ પ્લાસ્ટિક) ટેકનોલોજી આધારિત ડ્રેનેજ લાઈનની કામગીરી આજ રોડ પર શિવાજી સર્કલથી આજે ચાલુ કરી હતી. અંદાજે 2600 મીટરની કામગીરી આવતા ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવાય તેવું આયોજન છે. આ કામ આશરે 93 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. વડોદરામાં આ ટેકનોલોજીના પ્રથમ વખત ઉપયોગ કરાયો છે.

અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં આ પ્રકારની કામગીરી ચાલુ થઈ ચૂકી છે. આ ટેકનોલોજીમા ડ્રેનેજ લાઈનનું રીહેબિલિટેશન કરવામાં આવે છે, એટલે કે જે જૂની લાઈન છે તેની અંદર જીઆરપી લાઈન દાખલ કરવામાં આવે છે, આ કામગીરીમાં કોઈ ખોદકામ કરવામાં આવતું નથી, અને અંદર જ કામ ચાલતું રહે છે. આ પાઇપ ખૂબ જ ટકાઉ અને મજબૂત હોય છે, અને તેના કારણે ભૂવા પડતા નથી. આ કામગીરીનો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. તેમનું કહેવું હતું કે આ ટેકનોલોજીથી ખર્ચમાં ઘણો ઘટાડો થાય છે. લોકોના વેરાના નાણા બચે છે. બીજું કામગીરી ચાલુ હોય ત્યારે રોડ બંને બાજુ બંધ કરવાની જરૂર પણ પડતી નથી. ટ્રાફિક ચાલતો રહે છે. ટનલિંગ પદ્ધતિ મુજબ કામ ચાલતું રહે છે. વડોદરામાં આ પ્રકારની ટેકનોલોજીના આધારે કામગીરી ક્યાં કરવાની છે તેનો પ્રાથમિક સર્વે પણ કરવામાં આવ્યો છે, જે લાઇન પર વધુ ભૂવા પડ્યા હશે ત્યાં રોડની પહોળાઈ વગેરેને ધ્યાનમાં રાખીને આ ટેકનોલોજીના આધારે કામ થઈ શકશે. આના કારણે ખર્ચ અડધો થઈ જાય છે. કોસ્ટ કટીંગ થવા ઉપરાંત સમય બચશે. આવનારા દિવસોમાં સાયન્ટિફિક સર્વેના આધારે બીજા રોડ પર પણ આ પ્રકારની કામગીરી હાથ ધરાશે અને ભૂવા પડવાનું આ ટેકનોલોજીના આધારે કામગીરી કરવાથી ઓછું થઈ જશે.

Tags :