સુરત ભાજપમાં જુથબંધી : પશ્ચિમ વિધાનસભામાં કાર્યક્રમ પણ ધારાસભ્યના નામની બાદબાકી
Surat BJP : સુરત ભાજપ કાર્યાલય પર બે કોર્પોરેટરોની ગાળાગાળી ભાજપની જૂથબંધીનો ભાગ હતી તેઓને શો કોઝ નોટિસ મળ્યા બાદ પણ ભાજપમાં જુથબંધી અટકવાનું નામ લેતી નથી. આગામી દિવસોમાં સુરત ભાજપ પ્રમુખના જન્મ દિવસે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આમંત્રણ તરીકે પાલિકાના દંડક અને કોર્પોરેટર છે આ આમંત્રણ કાર્ડમાં કેન્દ્રીય મંત્રી, સાંસદ અને વોર્ડ પ્રમુખ સુધીના નામ પણ પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના નામનો ઉલ્લેખ નહીં થયો હોવાથી હવે ભાજપમાં રહેલી જુથબંધી ખુલીને બહાર આવી રહી છે તેવી ચર્ચા શરુ થઈ રહી છે.
સુરત પશ્ચિમ વિધાનસભામાં લાંબા સમયથી ભાજપ મોઢ વણિક સમાજને પ્રતિનિધિત્વ આપે છે તેથી મોઢ વણિક સમાજમાં મોટા નેતા બનવા માટે ભારે સ્પર્ધા થઈ રહી છે અને ભાજપમાં તેના કારણે લાંબા સમયથી જુથબંધી ચાલી રહી છે. આ જુથબંધી પહેલા બંધ બારણે ચાલતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જુથબંધી ખુલીને બહાર આવી રહી છે. તેનું ઉદાહરણ ભાજપના શહેર પ્રમુખના જન્મ દિવસે સેવા સેતુ કાર્યક્રમ માટેનો આમંત્રણ કાર્ડ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સેવા પખવાડિયાની ઉજવણી શરૂ થયાં બાદ ભાજપના નેતાઓ તેની કોપી કરી રહ્યાં છે અને પોતાના જન્મ દિવસે સેવાના કાર્યક્રમો કરી રહ્યાં છે. આવી જ રીતે સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલનો જન્મ દિવસ આગામી 15 જુલાઈને મંગળવારે છે આ દિવસે પશ્ચિમ વિધાનસભામાં આવેલા બદ્રીનારાયણ મંદિર ખાતે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ માટેના આમંત્રણ કાર્ડ હાલ સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ સેવા સેતુ, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર અને વિના મુલ્યે દવા વિતરણ કાર્યક્રમનું આમંત્રણ કાર્ડમા આમંત્રણ તરીકે પાલિકાના દંડક ધર્મેશ વાણીવાયાલા અને કોર્પોરેટર દિવ્યા રાઠોડ છે. આ કેમ્પનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ કરશે અને રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા તથા સુરતના સાંસદ મુકેશ દલાલ અને મેયર દક્ષેશ માવાણીની હાજરી રહેશે. અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય સંદિપ દેસાઈ, સંગીતા પાટીલ, તથા પાલિકાના અન્ય પદાધિકારીઓની પણ હાજરી રહેશે.
આ સમગ્ર કાર્યક્રમ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં થઈ રહ્યો છે તેમ છતાં પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના નામની બાદબાકી આમંત્રણ કાર્ડમાં જોવા મળે છે. આ આમંત્રણ કાર્ડ બાદ સુરત ભાજપમાં ચાલતી જુથબંધી ખુલીને બહાર આવી હોવા ઉપરાંત વધુ આક્રમક બની હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.