Get The App

સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું 1 - image


Stone Pelting in Sanand: અમદાવાદના સાણંદ તાલુકાનું કલાણા ગામ હાલ છાવણીમાં ફેરવાયું છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ભારે પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે સવારે વધુ વકરતા પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

નીલમ ગોસ્વામી (સાણંદ ડિવિઝન DySP)એ જણાવ્યું હતું કે, આ જૂથ અથડામણની ઘટના સોમવારે તળાવના પાળે બની હતી. આ ઝઘડાની શરૂઆત એક જૂથના બે છોકરાઓ અને અન્ય જૂથના એક છોકરા વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતે થયેલી બોલાચાલીથી થઈ હતી. ત્યારબાદ ગામમાં બંને પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે પોલીસે બંને પક્ષોની FIR દાખલ કરી છે.

સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું 2 - image

વધુ વિગત આપતા તેમણે કહ્યું કે, આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા કે ફ્રેક્ચર થયું નથી, માત્ર સામાન્ય મૂઢમાર અને લોહીની ફૂટ જેવી નાની ઈજાઓ થઈ છે. હાલમાં ગામમાં જીઆઈડીસી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સવારે પોલીસે કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કુલ 40 જેટલા આરોપીઓ હોવાનું જણાવાયું છે અને અન્ય અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.