For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૌરાષ્ટ્રમાં મગફળીની સીઝન ટાણે સિંગતેલ 2900 નજીક!

Updated: Sep 22nd, 2022


યાર્ડમાં કપાસના ભાવમાં ઘટાડો, મગફળીના ભાવ સ્થિર છતાં છ માસમાં કિલોએ સિંગતેલ રૂ।.૨૦, કપાસિયા ૧૬,પામતેલમાં રૂ।.૬  વધ્યા, સ્થાનિક ખાદ્યતેલો મોંઘા થતા વેપારીઓમાં પામતેલની લેવાલી

રાજકોટ, : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પ્રથમવાર નવરાત્રિ નજીક છે, મગફળી 17.09 લાખ હેક્ટરમાં ઉત્સાહપૂર્વક વાવેતર થયું છે અને સાનુકૂળ વરસાદથી મબલખ પાકની પૂરી સંભાવના  તથા કપાસિયાનું વાવેતર તો 106 ટકા થયું છે અને હાલ ખરીફ પાકના મગફળી,કપાસ બજારમાં આવવા લાગ્યા છે છતાં રાજકોટ સિંગતેલ આજે 15 કિલો નવા ટીનના રૂ।. 2895ની ઉંચાઈએ ભાવ તેલલોબીએ ટકાવી રાખ્યા છે. 

અમરેલીના કોંગ્રેસના નેતાએ જારી કરેલા સરકારી આંકડા મૂજબ  માર્ચ- 2022માં છૂટક બજારમાં રૂ।. 165ના કિલો  લેખે મળતા સિંગતેલના ભાવ સતત વધતા રહીને ગત તા. 10 સપ્ટે.ની સ્થિતિએ રૂ।. 184 થયા છે. છ માસમાં કિલોએ રૂ।. 20નો, ડબ્બાએ રૂ।.૩૦૦નો વધારો થયો છે.  આ સત્તાવાર વિગતમાં જ સ્પષ્ટ થયું છે કે મગફળીની સીઝનના અંતે ભાવ હતા તેના કરતા આશ્ચર્યજનક અને શંકાજનક રીતે સીઝનના આરંભમાં ભાવ વધ્યા છે! ઉપરાંત સરકાર દ્વારા એક તરફ સિંગતેલ છૂટકના ભાવ રૂ।. 184 કિલોના દર્શાવાયા છે જ્યારે રાજ્યના 71 લાખ રેશનકાર્ડ ધારકોને કુટુંબદીઠ 1 લિટર (કિલો કરતા લિટરના તેલબજારના ભાવ રૂ।.12.65 પૈસા ઓછા હોય છે) સિંગતેલ રૂ।. 100અપાયું અને તેમાં રૂ।. 97ની સબસિડી એટલે કે ભાવ રૂ।. 197જણાવાયો છે. 

કપાસિયા તેલ માર્ચમાં રૂ।. 154નું કિલો હતું તે વધીને રૂ।. 170 થયા છે અને આ ભાવ ચાર માસથી ઉંચા જ છે જ્યારે પામતેલના ભાવ રૂ।. 133થી વધીને  મેથી ઓગષ્ટ વચ્ચે ચાર માસ દરમિયાન રૂ।. 150ના કિલો લેખે વેચાતું  રૂ।. 139નું થયું છે.  આ સામે રાજકોટ બજારના આજના ભાવ સિંગતેલ રૂ।.2795-2895, કપાસિયા રૂ।.2225-2285, પામતેલ રૂ।.1535-1540 પ્રતિ 15 કિલો નવા ટીનના છે. 15 લિટરના ભાવ સિંગતેલમાં રૂ।.190 અને કપાસિયામાં રૂ।. 170 ઓછા હોય છે. 

એકંદરે ગુજરાતમાં જે તેલ દેશમાં સર્વાધિક ઉત્પન્ન થાય છે તે સિંગતેલ અને કપાસિયા તેલ મોંઘા થતા એક સમયે લોકો જે તેલ ખાતા નહીં તે પામતેલ તરફ વળવા મજબૂર થયા છે. વેપારી સૂત્રોએ જણાવ્યું કે ફરસાણના વેપારીઓને ભાવ વધારે તો ધંધો ઘટવાની ભીતિ રહે તેથી પડતર ઘટાડવાનું વલણ હોય છે તેથી અગાઉ સિંગ,પામ,કપાસિયા તેલના ભાવ સાત-આઠ મહિના પહેલા સમાન થયા ત્યારે સિંગતેલ તરફ વળેલા વેપારીઓ ફરી પામતેલ પસંદ કરે છે. 

ભાવની રમતથી કપાસનું પૂરતું વાવેતર, મબલખ પાક અને યાર્ડમાં કપાસના ભાવ જે ૨૮૦૦એ પહોંચ્યા હતા તે ઘટીને 1900 નીચે ઉતરી ગયા અને મગફળીના ભાવ રૂ।.1200 આસપાસ સ્થિર રહ્યા છે છતાં પ્રથમવાર લોકોને ખાસ કરીને સિંગતેલ નફાખોરીને કારણે મોંઘુ મળી રહ્યું છે જેની અસર દિવાળી સમયે લોકો દ્વારા નીકળતી વાર્ષિક ખરીદી  પર પડવા સંભવ છે. 

Gujarat