Gujarat

સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર

By GS TEAM
29 Dec 20252 mins read
સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર

માંગ સ્થિર, પૂરવઠો- પાક મબલખ છતાં ભાવ વધારો! : મગફળીના પ્રતિ મણના ભાવ સરકારના ટેકાની નજીક પહોંચવા  સાથે રાજકોટ યાર્ડમાં એક દિવસમાં 2.10 લાખ મણની આવક

 રાજકોટ, : ગુજરાતમાં અગાઉ 53 લાખ ટન સામે ગત વર્ષે 22.10 લાખ હેક્ટરમાં વ્યાપક વાવેતર સાથે મગફળીનું અંદાજે 66 લાખ ટન  વિક્રમજનક ઉત્પાદન થયું છે. જેના પગલે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2.10 લાખ સહિત સવા મહિનામાં 10 લાખ મણથી વધુ મગફળીની આવક થવા છતાં મગફળીના ભાવ નવેમ્બરની સાપેક્ષે વધતા સૌરાષ્ટ્ર સિંગતેલ ડબ્બો આજે વધીને રૂ. 2600ને પાર થયો છે. 

આશ્ચર્યની વાત એ છે કે કપાસિયા અને પામતેલમાં આજે રૂ. 10- 10નો ઘટાડો નોંધાયો છે ત્યારે સિંગતેલમાં રૂ. 20 વધતા ભાવ રૂ. 2560-2610 ઉપર પહોંચ્યા હતા જે ગત વર્ષે આ સમય કરતા રૂ. 80થી 90 વધારો છે. ગત વર્ષે આશરે 14 લાખ ટન ઓછો પાક થયો હતો. 

મબલખ પાકના પગલે રાજકોટ યાર્ડમાં તા. 21 નવેમ્બરથી સાત-આઠ દિવસના અંતરે બે-બે લાખ મણ મગફળીની ધોધમાર આવક થઈ રહી છે. આજે 2.10 લાખ મણ (42 લાખ કિલો)ની આવક નોંધાઈ હતી અને છતાં તા. 21 નવેમ્બરે રૂ. 1010-1390 સામે સારી ગુણવત્તાની મગફળીના મહત્તમ ભાવ પ્રતિ 20 કિલોના વધીને રૂ. 1440એ પહોંચ્યા છે. સરકારના ટેકાના ભાવ રૂ. 1453ની નજીક ભાવ આવી જતા ખેડૂતો યાર્ડમાં મગફળી વેચવા ધસારો કર્યો છે. યાર્ડના સૂત્રો અનુસાર આજે 1450 વાહનોની 5-6 કિ.મી.લાંબી કતારમાં જણસીઓ ઠલવાઈ તેમ એકલી મગફળીની આવક 2.10 લાખ મણ અને બાકી ઘંઉ, કપાસ, લસણ, તલ, જીરૂ સોયાબીન સહિતની મુખ્ય આવક 70,000 મણથી ઓછી હતી.