Get The App

મધ્યાહન ભોજનમાં હવે લીલા શાકભાજી-સીંગતેલનો કરાશે ઉપયોગ, કેટલો અમલ થશે તે જોવાનું રહેશે

Updated: Mar 12th, 2025

GS TEAM

Google News
Google News
મધ્યાહન ભોજનમાં હવે લીલા શાકભાજી-સીંગતેલનો કરાશે ઉપયોગ, કેટલો અમલ થશે તે જોવાનું રહેશે 1 - image


Midday Meals: ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આજે (13 માર્ચ, 2025) ગૃહમાં મધ્યાહન ભોજન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં સવાલના જવાબ આપતા મધ્યાહન ભોજન પાછળ થતાં ખર્ચ અને આગામી સમયમાં ફેરફારો કરવા અંગે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે વાત કરી હતી. આ દરમિયાન આગામી આયોજન અંગે વાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 'મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરુ કરાયો છે. હવે કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરાશે.' જો કે, હવે તેનો અમલ થાય છે કે નહીં તે તો જોવું રહ્યું.

બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે કેટલો ખર્ચ કરાયો?

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે કરવામાં આવેલા ખર્ચ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, '1 ફેબ્રુઆરી, 2023થી 31 જાન્યુઆરી, 2024 સુધીમાં રૂ. 1146.12 કરોડ અને 1 ફેબ્રુઆરી, 2024થી 31 જાન્યુઆરી, 2025 સુધીમાં રૂ. 1073.56 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં 10 હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ, સેટેલાઈટથી જમીન માપણીની પોલ ખુલી

'દર મહિને બાળક દીઠ રૂ.273નો ખર્ચ કરાયો'

જે અંતર્ગત બાળકદીઠ ખર્ચની માહિતી આપતાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, '1 ફેબ્રુઆરી, 2023થી 31 જાન્યુઆરી, 2024 સુધીમાં (ઘઉં ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ 5ના બાળક માટે પ્રતિ માસ રૂ. 156.78 અને ધોરણ 6થી 8ના બાળક માટે પ્રતિ માસ રૂ. 220.22નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જ પ્રકારે, 1 ફેબ્રુઆરી, 2024થી 31 જાન્યુઆરી, 2025 સુધીના એક વર્ષમાં અનાજ (ઘઉં-ચોખા) ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ 5ના બાળક માટે પ્રતિમાસ રૂ.191.62 અને ધોરણ-6થી 8ના બાળક માટે પ્રતિ માસ રૂ. 273નો ખર્ચ કરવામાં આવ્યો છે.'

'રાજ્ય સરકાર દ્વારા પણ મટીરીયલ કોસ્ટમાં વધારો જાહેર કરાયો'

મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, 'મધ્યાહન ભોજન માટેની મટિરિયલ કોસ્ટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે 60 ટકા અને 40 ટકાનો હોય છે. આ ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વધારા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા. 13 ફેબ્રુઆરી, 2025ના ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પણ મટીરીયલ કોસ્ટમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, નવા દર અનુસાર બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી રૂ. 6.19 અને ધોરણ 6થી 8ના પ્રતિ વિદ્યાર્થી રૂ. 9.29 દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વધારાનાં ખાધતેલ અને સુપોષિત ગુજરાત મિશન હેઠળ બાલવાટિકાથી ધોરણ 5 માટે રૂ. 2 અને ધોરણ 6થી 8 માટે રૂ. 2.37 દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરવામાં આવેલ છે.'

આ પણ વાંચો: વડોદરામાં ટ્રી હાઉસ સ્કૂલના ડાયરેક્ટરો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, CBSEએ શાળાની માન્યતા કરી રદ

'કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું પણ આયોજન'

મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, 'હાલ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના પ્રતિ વિદ્યાર્થી માટે કુલ રૂ. 8.19 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થીદીઠ કુલ રૂ. 11.66 દૈનિક મટીરીયલ કોસ્ટ નક્કી કરવામાં આવી છે. આ નવા દર મુજબ મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે, તેમજ કપાસિયા તેલના સ્થાને સીંગતેલનો ઉપયોગ કરવાનું આયોજન છે.'

Tags :