મહીસાગરમાં ડીજેના વધુ અવાજથી વરરાજાની મગજની નસ ફાટી ગઇ, બેભાન થઇ જતાં હોસ્પિટલ ખસેડાયા
Mahisagar News : મહીસાગર જિલ્લામાં આવેલા કડાણાના માપપુર ગામેથી ઘાતક સમાચાર સામે આવ્યા છે. હાલની લગ્નની સિઝન પૂરજોશ ચાલી રહી છે. ત્યારે પશ્વિમી સંસ્કૃતિના આંધળા અનુકરણના લીધે લગ્ન અને અન્ય પ્રસંગો ડીજેનું ચલણ પણ મોટાપાયે વધ્યું છે. ત્યારે કડાણાના માપપુરમાં ડીજેનો અવાજ ઘાતક સાબિત થયો છે. ડીજેના વધુ પડતા અવાજના કારણે વરરાજાના મગજની નસ ફાટી ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વરરાજાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વરરાજા બેભાન થઇને ઢળી પડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર કડાણા તાલુકાના માપપુર ગામે લગ્ન પ્રસંગે ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં એકસાથે ત્રણ-ત્રણ ડીજે વગાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ડીજેના વધુ પડતા અવાજના કારણે વરરાજા બેભાન થઇને ઢળી પડ્યા હતા. જેથી વરરાજાને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતે આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડીજેના વધુ પડતા અવાજના કારણે વરરાજાના મગજની નસ ફાટી ગઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.
સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
ઉલ્લેખનીય હાલમાં લગ્ન સિઝન ચાલતી હોવાથી ઠેર-ઠેર ડીજેનો શોરબકોર વધી રહ્યો છે. જેના કારણે ધ્વનિ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. વધુ પડતા અવાજના લીધે બાળકો અને ઘરડાં લોકો પર અસર વર્તાતી હોય છે. ઘણીવાર વધુ પડતા અવાજના લીધે કાનમાં બહેરાશ અને હ્રદય બેસી જવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. ત્યારે મહીસાગરનો આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે.