ક્વોરીઓમાં ખાણકામ પ્રવૃત્તિ બંધ થતા ગ્રીટના ભાવમાં ૩૦ ટકા વધારો કરાયો
રોડ માટે ડામરકામમાં ઉપયોગમાં લેવાતી ગ્રીટ બાદ હવે મેટલ અને કપચીના ભાવો પણ વધવાની શક્યતા

વડોદરા, તા.11 રાજ્યભરમાં તા.૬ની સાંજે બ્લેક ટ્રેપ ક્વોરીઓ પર સરકાર દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક બાદ ક્વોરીઓમાં ખાણકામ બંધ કરી દેવાયું છે આ સાથે જ ઉત્પાદકોએ રોડના કામમાં ઉપયોગમાં લેવાતી ગ્રીટના ભાવમાં ૩૦ ટકા જેટલો જંગી વધારો કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે પર્યાવરણિય મંજૂરી આપતી રાજ્યની કમિટિએ ડિસ્ટ્રિક્ટ લેવલે અપાયેલી કેટલીક મંજૂરીઓ રદ કરી દેતા રાજ્યભરના ૨૫ જિલ્લાઓમાં આવેલી ૨૩૮ બ્લેક ટ્રેપ ક્વોરીઓને જે તે જિલ્લાના ખાણખનિજખાતાના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તા.૬ની સાંજે અચાનક લોક કરી દેતા આ ક્વોરીઓમાં ખાણકામ પ્રવૃત્તિ બંધ થઇ ગઇ હતી.
મોટી સંખ્યામાં બ્લેક ટ્રેપ ક્વોરીઓમાં ખાણકામ બંધ થઇ જતા તેની અસર આગામી દિવસોમાં પડવાની છે તે નિશ્ચિત છે. દરમિયાન સરકાર દ્વારા જે દિવસે બ્લેક ટ્રેપ ક્વોરીઓ લોક કરી દીધી તે દિવસથી જ ક્વોરીઓના માલિકોએ ગ્રીટના ભાવમાં વધારો ઝીંકી દીધો હતો. એક ટન પાછળ રૃા.૧૦૦ વધારો કરી દેતા ગ્રીટ ખરીદવી હવે મોંધું થઇ ગયું છે. એક ટનના રૃા.૩૦૦ વસૂલાતા હતા હવે રૃા.૪૦૦ વસૂલવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રીટનો ઉપયોગ રોડના નિર્માણમાં ડામરકામ માટે થાય છે. ક્વોરી ઉદ્યોગ દ્વારા હજી સુધી મેટલ તેમજ કપચીના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી પરંતુ આગામી દિવસોમાં આ પ્રોડક્શન પર પણ વધારો કરવામાં આવે તો નવાઇ નથી.

