સુરત
આરોપી ફેનીલ માનસિક રીતે વિક્ષિપ્ત નહીં પરંતુ શાતિર દિમાગ ધરાવતો હોવાની સરકારપક્ષની રજૂઆત માન્ય પાંચ ડૉકટરોની જુબાની પુરી થતાં વધુ સુનાવણી ગુરુવાર સુધી મોકુફ
કામરેજ-પાસોદરાના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણી વિરુધ્ધ આજે ન્યાયિક કેસ કાર્યવાહીનો પ્રારંભ થવાની સાથે આરોપીના બચાવપક્ષે આરોપી માનસિક રીતે અનસાઉન્ડ હોઈ સારવાર માટે કરેલી અરજીને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે નકારી કાઢી હતી.
કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની હત્યા કેસની કાર્યવાહીનો આજથી પ્રારંભ થતા આરોપીના બચાવપક્ષે આરોપી ફેનીલ અનસાઉન્ડ માઈન્ડ ધરાવતો હોઈ માનસિક સારવાર કરાવવા અંગે અરજી કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ એ.કે.47ની સર્ચ કરવા તથા ફ્લીપકાર્ટ પર ચપ્પુની ખરીદી કરી હોઈ શાતિર અને ગુનાઈત માનસિકતા ધરાવે છે. મહીના પહેલા ગ્રીષ્માને મારી નાખવા અંગે તેના મિત્રો સાથે વાત કરી છે. ધરપકડ વખતે તે ચાર્જફ્રેમ દરમિયાન પણ માનસિક રીતે અનસાઉન્ડ હોવાનું જણાવ્યું નથી. ઉલ્ટાનું આરોપીએ પોતે વકીલ બદલવા માંગતા હોવાની અરજી આપીને બચાવ માટે નવા વકીલ રોક્યા છે. બચાવપક્ષે આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાની કે તેની સારવાર ચાલતી હોવા સંબંધી એકપણ મેડીકલ પુરાવો રજુ કર્યો નથી. સરકારપક્ષે આરોપી માનસિક રીતે સ્વસ્થ હોવા સંબંધી મેડીકલ સર્ટીફિકેટ રજુ કર્યું હતુ.
જેથી મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે બચાવપક્ષ તથા સરકારપક્ષની હાજરીમાં આરોપીને કોર્ટના વાતાવરણને બદલે પોતાની ચેમ્બરમાં લઈ જઈને કેટલાક પ્રારંભિક સવાલો કર્યા હતા. જેમાં આરોપીનું નામ-સરનામા,અભ્યાસ, સમય, ગામમાં ખેતીની જમીન સંબંધિત અનેક પ્રારંભિક પ્રશ્નો પુછીને જવાબ મેળવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આરોપીની માનસિકતાના મુદ્દે બચાવપક્ષે કરેલી અરજીને નકારી કાઢી આરોપી સાઉન્ડ માઈન્ડ ધરાવતા હોવા અંગે સરકારપક્ષની દલીલોને માન્ય રાખી હતી. ત્યારબાદ સરકારપક્ષે મરનાર ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરો સહિત આરોપીને હાથમાં થયેલી ઈજાની સારવાર કરનાર ત્રણ તબીબોની જુબાની લઈ કેસ કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. કોર્ટે વધુ સુનાવણી આગામી તા.3 માર્ચ સુધી મોકુફ રાખી છે. આગામી મુદતે 25 જેટલા પંચ સાક્ષીઓની જુબાની લેવાશે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા 2500પાનાની ચાર્જશીટ સાથે 80 દસ્તાવેજી પુરાવા થતા 190 સાક્ષીઓની યાદી કોર્ટમાં રજૂ કરી ચાર્જફ્રેમ કરાયો હતો.


