Get The App

અમદાવાદ-મહેસાણા પર કરોડોનો ટોલટેકસ ઉઘરાવતી GRICL સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ

અડાલજ ટોલ બુથ ખાતે મોટાભાગનો સમય સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જ હોય છે

કોઈ અકસ્માત કે ચોરીની ઘટના બને તો સીસીટીવી કેમેરાથી તેનો ભેદ ઉકેલાય તેમ છે

Updated: Jun 2nd, 2023

GS TEAM

Google News
Google News
અમદાવાદ-મહેસાણા પર કરોડોનો ટોલટેકસ ઉઘરાવતી GRICL સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ 1 - image



કલોલ:અમદાવાદ-મહેસાણા ટોલ રોડનું મેનેજમેન્ટ સંભાળતી ગુજરાત રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો વહીવટ ખાડે ગયો છે. હાઇવેના યોગ્ય સમારકામના અભાવે અસંખ્ય વખત અકસ્માત તેમજ અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવા છતાં ટોલ કંપનીના પેટનું પાણી હલી રહ્યું નથી. હાઇવે પર રખડતા ઢોર,શહેરી વિસ્તાર અને ઓવરબ્રિજ પર લાઈટ, ટોલ બુથ પર સીસીટીવી કેમેરા, હાઇવે પર પાણીના નિકાલ જેવી કામગીરીમાં જીઆરઆઈસીએલ તદ્દન નિષ્ફળ સાબિત થઇ છે. આ ઉપરાંત એક મહિનામાં અનેક અકસ્માત છતાં હાઇવે પહોળો કરવાનું ટોલ ટેક્સ કંપનીને સુજતુ નથી. 

સાંકડી પટ્ટી ફાળવવામાં આવતા વાહન ચાલકોમાં રોષ
ગુજરાત રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હાઇવે તો ઠીક પરંતુ ટોલ બુથ ઉપર પણ વાહનચાલકોને સુવિધા આપવામાં ઉણી ઉતરી છે. અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ અડાલજ ટોલ પ્લાઝા ખાતે ટુ વ્હીલર નીકળવા માટે એક સાંકડી પટ્ટી ફાળવવામાં આવતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. અહીંથી પસાર થતી વખતે અકસ્માતનો ખતરો પણ રહેલ છે. વાહન ચાલકો દ્વારા ટોલ ટેક્સ કંપનીને આ અંગે ઘણી ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઇ નથી. ટોલ ટેક્સ પરથી રોજના હજારો દ્વિચક્રીય વાહનો પસાર થાય છે. આ તમામ વાહનો યોગ્ય લેન નહીં હોવાને કારણે છેવાડે આવેલ ગટર લાઈન પરથી પસાર થવા મજબુર બન્યા છે. બે ફૂટ કરતા સાંકડી પટ્ટીમાંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ખતરો રહે છે. ટોલ ટેક્સ કંપનીના ધ્યાનમાં આ વાત હોવા છતાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.

દબાણ કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો
બીજી તરફ હાઇવેના સર્વિસ રોડને અડીને જ ગેરકાયદે દબાણ થઇ ગયા છે. આ દબાણને કારણે રસ્તો સાંકડો થઇ ગયો છે જેને પગલે અકસ્માત સર્જાઈ રહ્યા છે. છેલ્લા એક માસમાં હાઇવે પર અકસ્માતથી સાત લોકોના મૃત્યુ થયા છે.કલોલના હાઇવે વિસ્તારમાં ટોલટેકસ તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યા બાદ ફરી એ જ સ્થળોએ દબાણ થઈ જવાની ફરિયાદ સામે આવી છે. સરકારી જમીન પર લારી-ગલ્લા મૂકીને દબાણ કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.  કલોલમાં દબાણ  હટાવવાની કામગીરી કરવામાં આવે તો છે પરંતુ તેમાં પણ વ્હાલા દવલાની નીતિ રાખી હોવાથી સમગ્ર કાર્યવાહી હેતુ મરી જતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

અમદાવાદ-મહેસાણા પર કરોડોનો ટોલટેકસ ઉઘરાવતી GRICL સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ 2 - image

હાઇવે પર કલોલ સિવાય અન્ય કોઈ મોટું શહેર નથી
જીઆરઆઈસીએલ દ્વારા દોઢ મહિના અગાઉ હાઇવે પર દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી પરંતુ તે ફક્ત દેખાડો જ સાબિત થઇ હતી. દબાણકારોને સંપૂર્ણ રીતે હટાવવાના સ્થાને ફક્ત પાછા ધકેલ્યા જ હતા. આ ઉપરાંત અમુક લોકોના દબાણ કંપની દ્વારા હટાવવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ પણ થયો છે. અમદાવાદ-મહેસાણા હાઇવેનું સંચાલન સંભાળતી ગુજરાત રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડનું સૌથી મોટું કાર્યક્ષેત્ર કલોલ છે. આ હાઇવે પર કલોલ સિવાય અન્ય કોઈ મોટું શહેર નથી. હાઇવે પર સ્ટ્રીટ લાઈટ, ગંદકી,દબાણ,ઢોરોનો ત્રાસ વગેરે દૂર કરવાનું કરવાનું કામ આ ટોલટેકસ કંપનીનું છે. જોકે તંત્ર દ્વારા કોઈ પણ જાતની સંતોષકારક કામગીરી કરવામાં આવતી નથી.

GRICL ટોલ બુથ પર સીસીટીવી બંધ
અડાલજ ટોલ બુથ ખાતે મોટાભાગનો સમય સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જ હોય છે. દિવસ રાત અહીંથી અસંખ્ય વાહનો પસાર થતા હોય છે.આ સંજોગોમાં કોઈ અકસ્માત કે ચોરીની ઘટના બને તો સીસીટીવી કેમેરાથી તેનો ભેદ ઉકેલાય તેમ છે. જોકે વર્ષનો મોટાભાગનો સમય કેમેરા બંધ હોવાથી ઘણી વખત જરૂરી ફૂટેજ મળી શકતા નથી. 

મોટાભાગના ઓવરબ્રિજ પર લાઈટના ધાંધિયા
ટોલ રોડ પર રહેલા મોટાભાગના ઓવરબ્રિજ પર લાઈટના ધાંધિયા કાયમી થઇ ગયા છે. હાઇવે પર રહેલા તમામ ઓવરબ્રિજ પર લાઈટ અને સાફસફાઈની જવાબદારી નિભાવવામાં તંત્ર નબળું પુરવાર થયું છે. બંધ લાઈટ્સને કારણે ઘણી વખત અકસ્માત પણ સર્જાતા હોય છે. આ ઉપરાંત અંબિકા બસ સ્ટેન્ડ ખાતે હજારો મુસાફરોની અવરજવર હોવા છતાં લાઈટ ચાલુ કરવામાં આવતી નથી.મુસાફરો તેમજ વેપારીઓએ ફરિયાદ કરતા લાઈટ ચાલુ હતી તેને પણ કાઢીને લઇ ગયા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. 

અમદાવાદ-મહેસાણા પર કરોડોનો ટોલટેકસ ઉઘરાવતી GRICL સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ 3 - image

અંબિકા હાઇવે પર અણઘડ રેલીંગથી ટ્રાફિકજામ
કલોલ હાઇવે પર આવેલ સર્વિસ રોડની પાસેની ખુલ્લી જગ્યામાં રીક્ષા સ્ટેન્ડ હતું. રીક્ષાઓ ઉભી રહેવાને સ્થળે જીઆરઆઈસીએલ દ્વારા લોખંડની રેલીંગ લગાવી દેવામાં આવી છે. આ લોખંડની રેલીંગને પગલે રીક્ષા ચાલકોને સર્વિસ રોડ પર પોતાની રીક્ષાઓ પાર્ક કરવાની નોબત આવી છે. એક તરફ વાહનવ્યવહાર અને બીજી તરફ રોડ પર રીક્ષાઓને કારણે દિવસભર ભયંકર ટ્રાફિક થતો હોય છે. વેપારીઓ દ્વારા આ રેલીંગ હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર આજદિન સુધી હટાવામાં આવી નથી જેને પગલે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વકરી છે. 

વારંવાર ખોટકાતા એસ્કેલેટરથી મુસાફરોને હાલાકી
કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડ પર કરોડોના ખર્ચે ઉભું કરાયેલ એસ્કેલેટર મુસાફરોના ઉપયોગમાં ન આવતા શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. જયારથી સીડી લગાવામાં આવી છે ત્યારથી કંઇકને કંઇક સમસ્યા આવતા લાંબા સમય સુધી બંધ હોય છે જેને કારણે વૃદ્ધ મુસાફરોને હાઇવે ઓળંગવા માટે સીડીઓ ચડવાનો વારો આવે છે.  સીડી બંધ હોવાને કારણે મુસાફરો એક છેડેથી બીજા છેડે જવા માટે જીવના જોખમે રેલીંગ કુદીને જતા હોય છે. એસ્કેલેટર ચાલુ કરવા માટે અવાર નવાર ગુજરાત રોડ અને ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં નઘરોળ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા રોષ ફેલાયો છે.

ટોલ કંપનીની ખુલ્લી ગટરો જોખમી બની
કલોલ હાઇવેના પાણીનો નિકાલ કરવા માટે ટોલ કંપનીએ વર્ષોથી ગટર બનાવી છે. જોકે આ ગટર પર ઢાંકણા કે આરસીસી સ્લેબ ન હોવાથી તે જોખમી બની છે. ખુલ્લી ગટરોમાં અવારનવાર ગાય સહીતના  મૂંગા પ્રાણીઓ પડતા હોય છે. ખુલ્લી ગટરને કારણે વાહનચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.  જોખમી ગટરોને કારણે અવારનવાર દુર્ઘટના સર્જાતી  હોવા છતાં પણ ટોલ કંપની દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. હાઇવે પર રહેલી ખુલ્લી ગટરોને ઢાંકવા માટે હજારો વખત લોકોએ રજુઆત કરેલ છે તેમ છતાં બહેરી કંપની કોઈ વાત સાંભળી રહી નથી. કોઈ દિવસ મોટો અકસ્માત સર્જાય અને કોઈ જાનહાનિ થાય તે અગાઉ તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા નાખવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.


Tags :