બળાત્કારના ગુનામાં પકડાયેલા પૂર્વ ધારાસભ્યના પૌત્રએ પોલીસથી બચવા હેરસ્ટાઇલ બદલી
વડોદરાઃ બળાત્કારના કેસમાં પકડાયેલા પૂર્વ ધારાસભ્યના પૌત્ર પાસે પોલીસે ગર્ભપાત કરાવ્યો તે સ્થળે પંચનામું કર્યા બાદ પ્રેગનન્સી ટેસ્ટ કરાવ્યો ત્યાં પણ પોલીસ પહોંચી હતી.
નંદેસરી વિસ્તારમાં રહેતા અનિરૃધ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ સામે પીડિતાએ બળાત્કાર ગુજાર્યા બાદ લગ્ન નહિ કરી ગર્ભપાત કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાવતાં એસટીએસસી સેલના એસીપી સીબી સોલંકીએ આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીના રિમાન્ડ પુરા થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.તો બીજીતરફ ગર્ભપાત કરાવતાં પહેલાં યુવકે આણંદના શ્રીજી ઇમેજિંગ સેન્ટરમાં પ્રેગનન્સી ટેસ્ટ કરાવ્યો હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે ત્યાં પણ પંચનામું કર્યું છે.
દરમિયાનમાં પોલીસે અનિરૃધ્ધસિંહ અત્યારસુધી ક્યાં છુપાયો હતો તેની પૂછપરછ પણ કરી હતી.પરંતુ તેણે નંદેસરી અને આણંદની આસપાસના સ્થળોએ આશરો લેતો હોવાનું રટણ કર્યું હતું.પોલીસ દ્વારા હજી પણ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવી છે.
પોલીસથી બચવા માટે હેર સ્ટાઇલ બદલી
બળાત્કારના કેસમાં નાસતા ફરતા કોંગી આગેવાનના પુત્ર અનિરૃધ્ધને પકડવા માટે નંદેસરી પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમો પણ સામેલ થઇ હતી.જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી તપાસ અધિકારીને સોંપ્યો હતો. પોલીસથી બચવા માટે સતત ભાગી રહેલા આરોપીએ પોતાના હેર ખૂબ જ નાના કરાવી દીધા હતા.મોબાઇલ પર વાત કરવાનું ટાળતો હતો અને સતત છુપાતો હતો.આમ છતાં તેને શોધીકાઢવામાં આવ્યો હતો.