એક્સેસ સ્કૂટરને ટ્રકે હડફેટે લેતાં દોહિત્ર તથા નાનીનાં કરૂણ મોત
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે
રાજકોટ રહેતો તરૂણ અને તેના નાનીમા માટેલ ખાતે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત
મોરબી: વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે એક્સેસ સ્કૂટરને હડફેટે લેતાં સ્કૂટર ચાલક રાજકોટના તરૂણ અને પાછળ બેઠેલા તેના નાનીના કરૂણ મોત થયા હતા. દોહિત્ર તથા નાની એક્સેસ સ્કૂટર પર માટેલ દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માતમાં બન્નેનો ભોગ લેવાતા પરિવારમાં શોક વ્યાપ્યો છે.
રાજકોટના શાપર વેરાવળ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા પૂર્વેશભાઈ રમેશભાઈ પરમારે ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમને ભાણેજ રીક્કીભાઈ દીપકભાઈ કવા (ઉ.વ.૧૭) તેના એક્સેસ સ્કૂટર લઇને ફરિયાદીના માતા ગુલાબબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.૭૦) સાથે માટેલ દર્શન કરી રાજકોટ પરત આવતા હતા ત્યારે વાંકાનેર વઘાસીયા પાસે પહોંચતા ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં રીક્કીભાઈ અને ગુલાબબેનને ગંભીર ઇજા પહોંચતાં બંનેના મોત થયા હતા. વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.