જામનગરનાં આંગણે શાહ પરિવારનાં ત્રણ સભ્યોની શુક્રવારે દીક્ષાવિધિ દીક્ષા ગ્રહણના સાક્ષી બનવા એક સમયનાં સંસારી સગાઓ એવાં 10 સાધુ- સાધ્વિજીઓનું આગમનઃ ગુરૂ મહારાજોનું ભવ્ય સામૈયું
જામનગર, : જામનગરના આંગણે તા. 5મીએ લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોડગ સંકુલમાં શિહોરવાળા શાહ પરિવારનું દંપતી અને તેમનો 10 વર્ષનો પુત્ર એક સાથે સંસાર ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાશે. આ પ્રસંગે આશીર્વચનો આપવા ગુરૂ મહારાજોનું જામનગરમાં આગમન થતાં તેઓનું સામૈયું યોજાયું હતું.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર-49માં વસતા શિહોરવાળા શાહ જયંતિલાલ મોહનલાલ પરિવારના 50 વર્ષના રોકાણ સલાહકાર નંદીશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (ઉ.વ. 50), તેમના પત્ની ધારિણીબેન (ઉ.વ. 45) અને 10 વર્ષનો પુત્ર તિર્થ તા. 5 ડિસેમ્બર ને શુક્રવારે આચાર્ય પુર્ણચંદ્રસાગરસુરીજી મહારાજ, આચાર્ય અપુર્વચંદ્રસાગર સુરીજી મહારાજ, આચાર્ય આગામચંદ્રસાગર સુરીજી આદિ ગુરૂજનોની નિશ્રામાં સંસાર ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે. લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોડગ સંકુલમાં દીક્ષા વિધિ યોજાશે.
હાલ જેઓ દીક્ષા લઈ રહ્યા છે તે નદીશભાઈના સંસાર પક્ષે દાદા, દાદી, ફઈબા અને કાકી વર્ષો પહેલા સંયમના માર્ગે પ્રયાણ કરી ચુક્યા છે તથા દંપતીની પુત્રી અને એક પુત્ર પણ સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે.
જવલ્લે જ બનતો સંયોગઃ દીક્ષા વિધિ માટે આટઆટલાં સાંસારિક સગા એવા મુનિ- સાધ્વી નીઉપસ્થિતિ
હવે નાંદીશભાઈ અને તેના પત્ની અને પુત્રની દીક્ષા ગ્રહણના સાક્ષી બનવા આજે જામનગરમાં તેઓના એક સમયના સંસારી સંગાઓ એવા મુનિ ગુણશેખર વિજયજી મહારાજ (ભત્રીજા), મુનિ અમમચંદ્રસાગરજી (ભત્રીજા), મુનિ અક્ષતચંદ્રસાગરજી (પુત્ર-2022માં દીક્ષા લેનાર સંસારી ચૈત્ય નામ હતું તે), મુનિ આર્જવચંદ્રસાગરજી (મોટાભાઈ), સાધ્વી વતનંદિતાશ્રીજી મહારાજ (બહેન), જિનાંગવતાશ્રીજી (માતા), સાધ્વી હેમપપિયાશ્રીજી (ભત્રીજી), સાધ્વી વિશ્વવતાશ્રીજી (પુત્રી-2022માં દીક્ષા લેનાર સંસારી નામ વીરાલી હતું તે) તેમજ હેમધિપિયાશ્રીજી (ભાભી)નું જામનગરમાં આગમન થયું છે. આ પૂર્ણ પરિવારજનો પોતાના આત્મિયોના સંસાર ત્યાગના સાક્ષી બનશે. જૈન સમાજમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.
5 સભ્યોના આખા પરિવારના દીક્ષા ગ્રહણની અનોખી ઘટના
જામનગરનું દંપતી તથા પુત્ર દીક્ષા લેશે એ સાથે પાંચ સભ્યોના એક આખા પરિવારના દીક્ષા ગ્રહણની ઘટના આકાર લેશે. કારણ કે દંપતીની પુત્રી અને એક પુત્ર પણ 2022માં સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે.


