Get The App

દ્વારકા જગત મંદિરમાં આજે ભવ્ય તુલસી વિવાહ : ભાવિકો ઉમટશે

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
દ્વારકા જગત મંદિરમાં આજે ભવ્ય તુલસી વિવાહ : ભાવિકો ઉમટશે 1 - image

ગોપાલજી સ્વરૂપનો વરઘોડો વાજતે ગાજતે ગામમાં ફરશે  : સાંજે નિજ મંદિરમાં તુલસી વિવાહ જ્યારે રાત્રે મંદિર પરિસરમાં આવેલા રાણીવાસમાં પરંપરાગત લગ્નોત્સવ યોજાશે

દ્વારકા, : યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશજી મંદિરે તા. ૨નાં દેવઉઠી એકાદશીએ પરંપરાગત તુલસી વિવાહ યોજાશે. ઠાકોરજી સંગ તુલસીજીના યોજાનાર લગ્નમાં મહાલવા ભાવિકો ઉમટશે. સાથે તુલસી વિવાહ યોજાશે તથા સાંજે મંદિર પરિસરમાં આવેલા રાણીવાસ ખાતેથી ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નીકળશે. રાત્રે રાણીવાસ ખાતે તુલસી વિવાહ યોજાશે.

યાત્રાધામ દ્વારકા ખાતે તા. 2ને રવિવારે કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશજી મંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. આ દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશીએ ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને અષાઢ સુદ અગિયારસથી સતત ચાર માસ સુધી યોગનિદ્રામાં શયન કરી રહેલાં ભગવાનને પુન: જાગશે. આથી જ આ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયનીથી બંધ થયેલ શુભ-માંગલિક કાર્યો દેવઉઠી એકાદશીથી પુન: શરૂ થઈ જાય છે.

દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયના જણાવ્યાનુસાર રવિવારે સાંજે 6 વાગ્યે મંદિર પરિસરમાં રાણીવાસમાં આવેલ ગોપાલજી  સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નીકળશે. શહેરના રાજમાર્ગો પર ફરી પુન: રાણીવાસમાં પધારશે. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીનો તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. 

સાંજે ગૌધુલીક સમયે નિજ મંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપના શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાશે તથા કારતક સુદ નોમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂપની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાશે. તુલસી માતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.