જામનગર શહેરની ઉત્સવ પ્રેમી જનતા કે જે દરેક તહેવારોને ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવે છે તે પરંપરા મુજબ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વની પણ ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી, અને શહેરના અનેક વિસ્તારોમાં પતંગ ઉડતા જોવા મળ્યા હતા, અને જામનગર શહેરનું આકાશ પણ ગઈકાલે રંગબેરંગી પતંગો થી છવાયેલું જોવા મળ્યું હતું. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પતંગ, દોરા, ફુગ્ગા તેમજ તલ મમરા ના લાડુ, ઊંધિયું, ઝીંઝરા, શેરડી સહિતની ખાદ્ય સામગ્રીના કુલ 1,000થી વધુ હંગામી સ્ટોલ અથવા તો ફેરીયાઓ ઉભેલા જોવા મળ્યા હતા, અને જામનગર શહેરમાં મકરસંક્રાંતિનો ઉત્સવ ગઈકાલે ભારે ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.
જામનગર શહેરમાં એક દાયકા પહેલાં આકાશમાં એક પણ પતંગ જોવા મળતો ન હતો, પરંતુ ધીમે ધીમે તેમાં પરિવર્તન આવ્યું છે, અને ઉત્સવ પ્રેમી જનતા પતંગ મહોત્સવને પણ સારી રીતે ઉજવી રહ્યા છે. ખાસ કરીને જામનગર શહેરના જુના ગીચ વિસ્તારો, ઉપરાંત પટેલ કોલોની, નવાગામ ઘેડ, રણજીતનગર સહિતના કેટલાક વિસ્તારોમાં પણ મોટા પાયે પતંગ ઉડતા જોવા મળ્યા હતા. શહેરના કેટલાક એપાર્ટમેન્ટની અગાસી પર પતંગરસીયાઓ ગીત સંગીતના સથવારે પતંગ ઉડાવી રહેલા જોવા મળ્યા હતા, અને ક્યાંક :કાયપો છે: એવો અવાજ અને ચિચિયારી પણ સાંભળવા મળી હતી.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લોકો મન ભરીને પતંગ ઉડાવી રહ્યા છે, જેના માટે પતંગ વિતરણના અનેક સ્થળે હંગામી સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા હતા. ખાસ કરીને રણજીત સાગર રોડ, ખોડીયાર કોલોની થી સમર્પણ હોસ્પિટલ સુધીના માર્ગે, ઉપરાંત ગુલાબ નગર મેઇન રોડ સહિતના અન્ય વિસ્તારો તેમજ જામનગરના દિપક ટોકીઝથી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં અનેક સ્થળે પતંગ વિતરણ ના હંગામી સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા હતા, અને 13મી તારીખે રાત્રિના બે વાગ્યા સુધી પતંગની ખરીદી માટેનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત જામનગર શહેરના અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ પર ફુગ્ગા વિતરણ કરવા માટેના ફેરીયાઓ મોટી સંખ્યામાં ઊભા રહી ગયા હતા, અને બાળકો માટે ગેસના વિવિધ રંગોવાળા ફુગ્ગા ઉપરાંત કેટલાક કાર્ટુન સાથેના ફુગાના વેચાણ માટે ફેરીયાઓ ગોઠવાઈ ગયા હતા, અને લોકોએ પણ ધૂમ ખરીદી કરી હતી.
શિયાળાની સીઝનને અનુરૂપ તલ મમરાના લાડુ, ચીકી, શેરડી તેમજ અન્ય ખાદ્ય સામગ્રીના પણ અનેક સ્થળે વેચાણ કેન્દ્રો શરૂ થયા હતા, અને તેનું પણ ધૂમ વેચાણ થયું હતું.
લોકોએ ગઈકાલે અનેક સ્થળે ઊંધિયું મેળવવા માટે પણ અનેક સ્થળે કતાર લગાવી હતી, અને ઊંધિયું તેમજ જલેબી ના હંગામી વેચાણ કેન્દ્ર પણ કેટલાક સ્થળે જોવા મળ્યા હતા. એકંદરે ગઈકાલે મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને લોકોએ મન ભરીને તહેવાર મનાવ્યો હતો, શહેરમાં કોઈ અન્ય ઘટના ન બને, તે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે રહ્યું હતું અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, ઉપરાંત ટ્રાફિક બંદોબત પણ જાળવ્યો હતો.


