Get The App

દાહોદના NTPC સોલાર પ્લાન્ટમાં ભયાનક આગ, 400 કરોડ રૂપિયાનો સામાન બળીને ખાખ

Updated: Apr 22nd, 2025

GS TEAM

Google News
Google News
દાહોદના NTPC સોલાર પ્લાન્ટમાં ભયાનક આગ, 400 કરોડ રૂપિયાનો સામાન બળીને ખાખ 1 - image

Fire in Dahod: દાહોદના ભાટીવાડા ખાતે રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)કંપનીના નિર્માણાધીન 70 મેગાવોટના સોલાર પ્લાન્ટમાં સોમવારે (21મી એપ્રિલ) રાત્રે ભીષણ આગ લાગી હતી. દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર ફાઇટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો છે. આ આગની ઘટનાએ પ્લાન્ટના 95 ટકા સાધનોને બળીને રાખ કરી દીધા છે. આગની આ ઘટનામાં 400 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ

મળતી માહિતી અનુસાર, આગ સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. પવનની ગતિને કારણે આગ ઝડપથી ફેલાઈ, જેના પરિણામે પ્લાન્ટમાં રાખવામાં આવેલા સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ અને અન્ય સાધનો બળીને ખાખ થઈ ગયા. NTPCના કર્મચારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા, પરંતુ આગની તીવ્રતા એટલી હતી કે તેને કાબૂમાં લેવું અશક્ય બન્યું. દાહોદ અને આસપાસના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી. આ આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. પરંતુ આગ એટલી ભયાનક હતી કે તેને ઓલવવામાં મુશ્કેલી બની હતી. ત્યારે દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર ફાઇટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો છે. 



પ્રાથમિક અંદાજ મુજબ આગથી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. NTPC અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

હિંમતનગરમાં પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં આગ

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના હિંમતનગરમાં ગાંભોઈથી ભીલોડા હાઈવે પર ગામડી ગામ પાસે સ્થિત એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં સોમવારે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં હિંમતનગર ફાચર બ્રિગેડને જાણ કરાઈ હતી. કોલ મળતાંની સાથે જ ત્રણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.