આજે જિલ્લામાં ગ્રા.પં.ની ચૂંટણીનો સંગ્રામઃ 4,999 સ્ટાફ ફરજ બજાવશે
- વરસાદી માહોલ, ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાતા મતદાન ઉપર અસર થઈ શકે
- 100 ચૂંટણી અધિકારી ઉપરાંત 100 મદદનીશ ચૂંટણી અધિકારી, 3,499 પોલીંગ સ્ટાફને જવાબદારી સોંપાઈઃપોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
ભાવનગર જિલ્લાની ૨૩૩ ગ્રામ પંચાયતોની સામાન્ય,વિભાજન,મધ્યસત્ર અને પેટા ચૂંટણીમાં કાલે રવિવારે સવારે ૭થી સાંજે ૬ કલાક સુધી બેલેટ પેપર-મતપેટી દ્વારા મતદાન થશે.જેના માટે ૬૯૮ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ૧૦૦ ચૂંટણી અધિકારી, ૧૦૦ મદદનીશ ચૂંટણી અધિકારીને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત ૩,૪૯૯ પોલિંગ સ્ટાફને મતદાનના દિવસની ફરજ સોંપાઈ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી વિવાદીત અને માથાકૂટવાળી રહેતી હોય, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે. આ માટે ૧૮૯૫ પોલીસ સ્ટાફને ડયૂટી સોંપવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પણ પોલીસનો વધારાનો બંદોબસ્ત રાખવામાં આવશે. ચૂંટણી પૂર્વે આજે રિસિવિંગ સેન્ટરો પરથી મતદાન-ચૂંટણી સાહિત્ય લઈ ચૂંટણી સ્ટાફ પોતાના મતદાન મથકો તરફ જવા રવાના થયા હતા.જયારે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે મતદાનના દિવસે કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવશે.
બેલેટ પેપરમાં પણ નોટાનો વિકલ્પ ઉપલબ્ધ
વધુમાં બેલેટ પેપરથી થનારી ચૂંટણીમાં કોઈ મતદાર એકપણ ઉમેદવારને પોતાનો અમૂલ્ય મત આપવા માંગતા ન હોય તો તેમના માટે અન્ય ચૂંટણીની જેમ 'નોટા'નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. જેથી મતદારો 'નોટા'નો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનિય છે કે, લોકશાહીના આ પર્વમાં મતદારો પાસે સત્તાનું સુકાન સોંપવા માટેનો હુકમનો એક્કો હોય, ઉમેદવારોએ છેલ્લી કલાકોમાં ધમપછાડા કરી મતદારોને રિઝવવા માટે ભજીયા પાર્ટીઓ પણ ગોઠવી હતી.
2.53 લાખ પુરૂષ, 2.36 લાખ સ્ત્રી અને બે અન્ય મતદાતા
જિલ્લાની ૨૩૩ ગ્રામ પંચાયતોની કાલે યોજાનારી સામાન્ય/વિભાજન/મધ્યસત્ર અને પેટા ચૂંટણીમાં કુલ ૪,૯૦,૬૯૪ મતદાર નોંધાયેલા છે. જેમાં પુરૂષ મતદારની સંખ્યા ૨,૫૩,૯૨૮ અને સ્ત્રી મતદારની સંખ્યા ૨,૩૬,૭૬૪ છે. આ ઉપરાંત બે અન્ય મતદાતા છે. જેઓ કાલે મતદાનના દિવસે ૨૨૪ સરપંચ અને ૧૩૪૭ વોર્ડના સભ્યોના ભાગ્યનો ફેંસલો કરી મતપેટીમાં મત નાંખશે.
એસઆરપીની એક ટૂકડી સહિત 1895 પોલીસ ફરજરત
ભાવનગર જિલ્લામાં રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એસઆરપીની એક કંપની ઉપરાંત પાંચ ડીવાય.એસ.પી., ૧૮ પીઆઈ, ૨૨ પીએસઆઈ, ૭૪૩ પોલીસ તથા ૧૧૦૭ હોમગાર્ડ તથા જીઆરડી જવાનો ફરજ બજાવશે.