Gujarat

સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી

By GS TEAM
19 Nov 20253 mins read
સરકારી અનાજના હેરફેરમાં IPSના વહીવટદાર વિક્રમ કાકાની ભાગીદારી

અમદાવાદ, બુધવાર

સરકારી અનાજનો જથ્થો આર્થિક રીતે નબળા લોકો સુધી પહોંચવાને બદલે અનાજ માફિયા બારોબાર અનાજ દળવાના કારખાના સુધી પહોંચતો થાય છે. અનાજ માફિયાઓ આ માટે પુરવઠા વિભાગથી માંડીને પોલીસના વહીવટદારનું ચોક્કસ નેટવર્ક સક્રિય હોવાનું સામે આવ્યું છે. જેમાં અનાજનો જથ્થો શસરકારી ગોડાઉનથી લોટની ફેક્ટરી સુધી  પહોંચે તે માટે પોલીસ અને મુકેશ મહારાજ નામના હુલાણિયા નામથી કુખ્યાત અનાજ માફિયા વચ્ચે વિવેક નામના શખ્સની તેમજ અમદાવાદ એક સિનિયર આઇપીએસના વિક્રમ કાકા નામના વહીવટદારની જોડી તમામ પ્રકારની સુરક્ષા પુરી પાડવાનું કામ બેરોકટોક રીતે કરવામાં આવે છે. 

અમદાવાદ અને ગુજરાતમાં રહેતા હજારો ગરીબ પરિવારોને પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજનો જથ્થો  પહોંચતો કરવામાં આવે છે. પરંતુ, હજારો પરિવારો માટે આવતો સરકારીના અનાજનો જથ્થો કેટલાંક અનાજ માફિયાઓ દ્વારા બારોબાર સગેવગે કરવાનું સૌથી મોટુ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. મુકેશ મહારાજ નામનો વ્યક્તિ અમદાવાદના સૌથી મોટો સરકારી અનાજનો જથ્થો ચોરી કરતો માફિયા સક્રિય છે.  સુત્રોના જણાવ્યા મુજબ મુકેશ મહારાજની સાંઠગાંઠ પુરવઠા વિભાગના કેટલાંક કર્મચારીઓ સાથે છે. જે સરકારી ગોડાઉનમાંથી બહાર લાવવામાં માટે મદદ કરે છે. ત્યારબાદ મુકેશ મહારાજને વિવેક નામનો એક વ્યક્તિ મદદમાં રહે છે. જેમાં સરકારી અનાજનો જથ્થો ભરેલી વાનને વિવેક એસકોર્ટ કરે છે અને મુકેશ મહારાજ તેને  શહેરના રીવર ફ્રન્ટ પાસે આવેલી ચોક્કસ જગ્યા પર લાવે છે.

જ્યાં અગાઉથી જ પ્લાસ્ટીકની થેલી તૈયાર હોય છે અને વાન ત્યાં પહોંચે ત્યારે ગણતરીના સમયમાં સરકારી અનાજનો જથ્થો સરકારી લોગો વાળી બોરીમાંથી કાઢીને અન્ય લેબલ ધરાવતી પ્લાસ્ટીકની બોરીમાં ભરી દેવામાં આવે છે. સાથેસાથે મુકેશ મહારાજ સરકારી અનાજના જથ્થાની ખાલી બોરીનો નાશ કરે છે. ત્યારબાદ સરકારી અનાજનો જથ્થો લોટની ફેક્ટરીમાં પહોંચતો કરવામાં આવે છે.

મુકેશ મહારાજના અનાજને સગેવગે કરવાના કૌભાંડમાં વિવેકને એક સિનિયર આઇપીએસ અધિકારીના વહીવટદાર વિક્રમ કાકાના હુલામણા નામથી જાણીતા વહીટવદારની મદદ મળે છે. જેમાં સરકારી અનાજના ગોડાઉનથી અનાજનો જથ્થો નીકળી ફેક્ટરી સુધી પહોંચે તે માટે વિક્રમ કાકા મહત્વની ભૂમિકા ભજવે છે. જો કોઇ પોલીસ સ્ટેશનની હદમાં અનાજ ભરેલી વાન રોકવામાં આવે તો  વિવેક નામનો વચેટિયો  વિક્રમ કાકાને ફોન કરાવે છે. સિનિયર આઇપીએસ અધિકારીનો વહીવટ હોવાથી સ્થાનિક પોલીસ દબાણમાં આવીને સરકારી અનાજ ભરેલો જથ્થો જપ્ત કરવાને બદલે તેને જવા દે છેે. આમ, મુકેશ મરપહારાજ, વિવેક અને આઇપીએસના વહીવટદાર વિક્રમ કાકાની ત્રિપુટી દ્વારા બેરોકટોક રીતે સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે હજારો પરિવારોને તેમના હકનું અનાજ મળતુ નથી.

વિવેકની હોટલ અને સ્પામાં વહીવટદારની ભૂમિકા

વિવેક નામના વ્યક્તિની વધુ એક ચોંકાવનારી ભૂમિકા સામે આવી છે. જેમાં તે શહેરની વિવિધ હોટલ અને સ્પા માટે પોલીસનો વહીવટ કરતો હોવાની વિગતો જાણવા મળી છે. ખાસ કરીને સ્પાના સંચાલકો પણ વિવેકને વચ્ચે રાખીને પોલીસ સાથે આર્થિક વ્યવહાર કરે છે. આમ, વિવેક માત્ર સ્પા જ નહી પણ ગરીબોના અનાજ માટે દલાલી કરે છે. જે ગંભીર બાબત છે.