ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય
GSSSB Exam Postponed: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી બે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની Dy.SO અને નાયબ મામલતદારની પરીક્ષા પણ તે જ દિવસે હોવાથી લેવામાં આવ્યો છે.
ઉમેદવારોની રજૂઆતો બાદ નિર્ણય
GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 237/2024-25 અને 304/2025-26 હેઠળ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી. આ જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળે લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાઓ પણ જાહેર કરી હતી.
એક જ દિવસે બે અલગ-અલગ બોર્ડની પરીક્ષાઓ હોવાથી ઉમેદવારોએ રજૂઆત કરી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગૌણ સેવા પસંદગી મંડળે લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખી છે. નવી તારીખ હવે પછી મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર કરવામાં આવશે. સંબંધિત તમામ ઉમેદવારોને આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી ઉમેદવારોને બે પરીક્ષાઓમાંથી એક પસંદ કરવાની મુંઝવણમાંથી રાહત મળી છે અને તેમને તૈયારી માટે પણ વધુ સમય મળશે.