ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો
વડોદરાઃ એક તરફ તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીના કારણે આજે વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી તો બીજી તરફ તા.૭ સપ્ટેમ્બર, રવિવારે ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરની સ્કૂલોમાં જીપીએસસીની ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદારની પરીક્ષા યોજાશે.
સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ છે અને સોશ્યલ મીડિયા પર ઉમેદવારો પરીક્ષાની તારીખ બદલવા માટે પણ માગ કરી રહ્યા છે.વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ફતેંગજ અને હરણી રોડ વિસ્તારની બે સ્કૂલોમાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.જ્યાં ૨૬૯ દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા આપશે.જ્યારે ૪૩૧૭ રેગ્યુલર ઉમેદવારો ૨૧૮ કેન્દ્ર પર પરીક્ષા આપશે.
મોટાભાગના ઉમેદવારો બહારગામના છે ત્યારે ભારે વરસાદ, ટ્રાફિક અને રસ્તા પરના ખાડા વચ્ચે પરીક્ષા આપવા માટે કેટલા ઉમેદવારો પહોંચી શકશે તે એક સવાલ છે. સોશ્યલ મીડિયા પર પરીક્ષા પાછી ઠેલવા માટે પણ ઉમેદવારોની માગ કરી રહ્યા છે.
જોકે વડોદરા ડીઈઓએ કહ્યું હતું કે, સાંજ સુધી પરીક્ષા મુલત્વી રાખવા માટે કોઈ સૂચના મળી નથી.