બિપરજોય વાવાઝોડાને પગલે GPSCની વર્ગ-2ની પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
ગુજરાત જાહેર આયોગ દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની પરીક્ષા 19મી તારીખે લેવાનાર હતી
ગઈકાલે જ TATની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો હતો
Image : Pixabay |
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વની જાહેરત કરવામાં આવી છે. આ જાહેરાત અન્વયે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 19મી તારીખે લેવાનાર મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવી છે.
નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 19મી તારીખે લેવાનાર મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની પરીક્ષાના પેપર-1 અને પેપર-2 મોકૂફ રાખવામાં આવ્યા છે જ્યારે તારીખ 21 અને 23 જૂનના રોજ લેવાનાર પેપર-3,4,5માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે યથાવથ જ રહેશે. આ ઉપરાંત મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ ટૂંક સમયમાં વેબસાઈટ પર નવી તારીખ જાહેર કરશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ પરીક્ષાનું તારીખ 19,21,23 જૂનના રોજ આયોજન કરવામાં આવ્યુ હતું જે હવે એક પરીક્ષાના બે પેપર મોકૂફ રાખવામાં આવતા હવે ઉમેદવારો માટે નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
સ્ટેનોગ્રાફરની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્ટેનોગ્રાફર વર્ગ-2 અને વર્ગ-3 સવર્ગની મુખ્ય પરીક્ષા આગામી તારીખ 17 અને 18મી જૂનના રોજ યોજાનાર હતી જે બિપરજોય વાવાઝોડાને કારણે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે અને આ પરીક્ષાની નવી તારીખ મંડળ દ્વારા ટૂંક સમયમાં જ કરવામાં આવશે. પરીક્ષા માટે આગામી કાર્યક્રમ નિયત થશે ત્યારે મંડળની વેબસાઈટ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.
ગઈકાલે જ TATની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો હતો
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિયોગ્યતા કસોટીની પ્રિલિમ્સ પરીક્ષાનું ગઈકાલે જ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું અને તેની મુખ્ય પરીક્ષા આગામી 18મીના રોજ યોજાનાર હતી ત્યારે બિપરજોય વાવાઝોડાને પગલે મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને મુખ્ય પરીક્ષાની નવી તારીખ જાહેરત કરવામાં આવી હતી. TATની મુખ્ય પરીક્ષા 18 તારીખના બદલે 25મી તારીખે લેવાનાર છે. આ અંગેની જાણ શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને આપી હતી.