ગણપતિ વિસર્જનથી કુદરતી જળ સ્ત્રોતની ગુણવત્તા માટે જીપીસીબીનો અભ્યાસ
જીપીસીબીએ મહીસાગર નદી સહિત ત્રણ તળાવોમાંથી પાણીના સેમ્પલ લીધા
ચાર સ્થળોએથી 6 દિવસમાં કુલ 24 સેમ્પલોનો રિપોર્ટ ગાંધીનગર સબમિટ કરાશે
ગણપતિ વિસર્જન દરમ્યાન કુદરતી જળ સ્ત્રોત ઉપર શું અસર વર્તાય છે તે જાણવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મહીસાગર નદી સહિત શહેરના ત્રણ તળાવોમાંથી પાણીના સેમ્પલ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
હાલ શહેરમાં ગણેશોત્સવ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તો બીજી તરફ તળાવો અને નદીઓ ખાતે ગણેશ વિસર્જન પણ શરૂ થઈ ગયા છે. ત્યારે વિસર્જનની કુદરતી જળ સ્ત્રોત ઉપર કેવી અસર વર્તાય છે તે જાણવા માટે જીપીસીબી દ્વારા ગાઇડલાઇન મુજબ ચાર સ્ટેશનો ફાજલપુર મહીસાગર નદી, ગોરવા દશામાં તળાવ, ડભોઇ રોડ કપુરાઈ તળાવ અને તરસાલી રામસાગર તળાવ ખાતે સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગણેશ સ્થાપના અગાઉ તા. 25 ઓગષ્ટના રોજ આ જળ સ્ત્રોતોમાંથી સેમ્પલ મેળવ્યા છે. હવે આ ચાર સ્થળોએથી અલગ અલગ 6 દિવસ દરમ્યાન કુલ 24 સેમ્પલો લેવાશે. તા 9 સપ્ટેમ્બરના રોજ અંતિમ સેમ્પલ લેવાશે. આ જળ સ્ત્રોતની ગુણવત્તાનો રિપોર્ટ ગાંધીનગર મોકલાશે. પાણીના સેમ્પલ મેળવ્યા બાદ રિપોર્ટ આવતા 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે.