જી.પી.સી.બી.એ આર.એમ.સી. અને હોટ મિક્સના ૧૭ પ્લાન્ટ ખાતે ઇન્સ્પેક્શન હાથ ધર્યું

શહેરમાં એ.ક્યુ.આઈ. (એર ક્વોલિટી ઈન્ડેક્સ)માં ચિંતાજનક વધારો થવાની ફરિયાદો સામે આવતા મ્યુ.કોર્પોરેશન દ્વારા બાંધકામ સાઇટો પર ઇન્સ્પેક્શન શરૂ કરાયા બાદ હવે જી.પી.સી.બી. (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) દ્વારા શહેર અને આસપાસ આવેલા એચ.એમ.ટી. (હોટ મિક્સ) તથા આર.એમ.સી. (રેડી મિક્સ કોંક્રિટ) પ્લાન્ટ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જી.પી.સી.બી. દ્વારા છેલ્લા દસ દિવસ દરમિયાન દુમાડ ચોકડી રોડ સહિત વડોદરા શહેર અને આસપાસ આવેલા હોટ મિક્સ તથા આર.એમ.સી. પ્લાન્ટ ખાતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ ૧૭ એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૨ પ્લાન્ટ ખાતે પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંધન સામે આવતાં શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં સંચાલકોને ૧૫ દિવસમાં ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નોટિસ મુજબ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા હોય તો તેની જાણ જી.પી.સી.બી.ને કરવાની રહેશે. જો નિયત સમયમર્યાદામાં યોગ્ય જવાબ નહીં મળે તો એન્વાયરમેન્ટ ડેમેજ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

આર.એમ.સી. પ્લાન્ટ માટે ફરજિયાત તકેદારી
-મિશ્રણ થતું હોય તે વિસ્તારમાં નિયમિત પાણીનો છંટકાવ
-ધૂળ ઉડે નહીં તે માટે પ્લાન્ટ આસપાસ વિન્ડબ્રેક પેનલ (હવા અવરોધક )
- કન્વેયર પર મટીરિયલ સંપૂર્ણ કવર કરવું
- પ્રીમિસિસમાં વિસ્તાર કાર્યો નરાખી પાકો બનાવવો

નોટિસ આપવામાં આવેલા એકમો
૧) રાજકમલ બિલ્ડર્સ (આર.એમ.સી. પ્લાન્ટ)
૨) સુપર રેડીમિક્સ કોંક્રિટ (આર.એમ.સી. પ્લાન્ટ)
૩) રાજ કોંક્રિટ
૪) આરએમસી રેડી મિક્સ (ઈન્ડિયા)
૫) શિવમ કન્સ્ટ્રક્શન કં.
૬) સ્પાઈરલ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (હોટ મિક્સ પ્લાન્ટ)
૭) પી.ડી. કન્સ્ટ્રક્શન (હોટ મિક્સ અને આર.એમ.સી. પ્લાન્ટ)
૮) સ્પાઈરલ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (હોટ મિક્સ પ્લાન્ટ)
૯) બી.કે.ડી. ઈન્ફાકોન પ્રા.લિ.(આર.એમ.સી. પ્લાન્ટ)
૧૦) સોલિફાઇડ આર.એમ.સી. (આર.એમ.સી. પ્લાન્ટ)
૧૧) રાજ કન્સ્ટ્રક્શન (હોટ મિક્સ પ્લાન્ટ)
૧૨) શિવાલય ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્રા. લિ.
૪૦ આર.એમ.સી. પ્લાન્ટને સુચના અપાઈ
જીપીસીબી દ્વારા કરાયેલા સર્વે મુજબ વડોદરા શહેર અને આસપાસ કુલ ૪૦ આર.એમ.સી. પ્લાન્ટ કાર્યરત છે. આ તમામ પ્લાન્ટ સંચાલકોને ઇ-મેઇલ મારફતે પત્ર પાઠવી પ્રદૂષણ નિયંત્રણની ગાઇડલાઈનનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ જરૂરી માર્ગદર્શિકા પણ મોકલવામાં આવી છે, જેથી નિયમોનું પાલનસુનિશ્ચિત થઈશકે.








