સૌરાષ્ટ્રમાં ભરૂડી-ભુણાવા ટોલનાકા સામે વિરોધ વચ્ચે સરકારનો જવાબ-60 K.M.નો નિયમ નથી
સોમનાથ દાદા કે સુદામા-કૃષ્ણના દર્શન કરવા 500નો ટોલટેક્સ! : લોકોના ત્રણ તીખા પ્રશ્નોઃ વાહનો પર અન્ય ઉંચા દરે વેરા વસુલવા છતાં ટોલટેક્ષ શા માટે? ઉંચા પગારદાર VVIPને મુક્તિ કેમ? હાઈવે ભંગાર કેમ રહે છે?
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગોંડલ હાઈવે ઉપર ભરૂડી અને ભુણાવા સહિત ટોલનાકાઓ 60 કિ.મી.માં આવ્યા હોય તે પણ દૂર નથી કરાતા તેમ કહીને એકંદરે વસુલાતા તગડા ટોલટેક્સ સામે લોકોમાં પહેલેથી જ આક્રોશ છે. લોકસભામાં એક સાંસદે 60 કિ.મી.માં ટોલટેક્સથી મુક્તિ આપવા કોઈ યોજના છે? તેવો સવાલ કરતા માર્ગ વાહન વ્યવહાર મંત્રાલયે જવાબમાં જણાવી દીધું છે કે નેશનલ હાઈવે ફીઝ રૂલ્સ- 2008 મૂજબ 60 કિ.મી.માં ટોલપ્લાઝા નહીં રાખવા કોઈ જોગવાઈ નથી.
રાજકોટથી સોમનાથ મહાદેવના મંદિરે કે પોરબંદર સુદામાપુરીના દર્શને જવું હોય કે દ્વારકાધીશના દર્શને, યાત્રિકોએ બસ ભાડા કરતા વધુ રકમ આશરે રૂ।. 260નો એટલે કે આવવા જવાનો રૂ।. 500થી વધારે ટોલટેક્સ ચૂકવવો પડે છે. વોલ્વો બસના ભાડા કરતા પણ આ ટેક્સ વધારે છે જેના પગલે લોકો ટોલટેક્સના ટાળવા રસ્તા બદલાવે છે અને લોકોની પીડા નહીં જોઈ શકતા અનેક નેતાઓએ,આગેવાનોએ ટોલનાકા ઉપર વિરોધ પ્રદર્શનો,માથાકૂટ પણ કર્યા છે. ગુજરાત સરકારે અગાઉ ચોટીલા હાઈવે પર નાના વાહનોને ટોલટેક્સથી અપાયેલી મુક્તિને કૃતજ્ઞાતાપૂર્વક આજે પણ યાદ કરાય છે.
સૌરાષ્ટ્રના લોકો ટોલટેક્સ બાબતે ત્રણ તીખા અને સીધા સવાલો વારંવાર પુછતા રહે છે. (1) વાહન ખરીદીએ ત્યારે અસહ્ય ઉંચા દરથી ટેક્સ વસુલી લેવાય છે, ઉપરાંત આર.ટી.ઓ.માં વાહનનું રજીસ્ટ્રેશન કરાવીએ ત્યારે ઉંચા દરે ટેક્સ ભરીએ છીએ, ઉપરાંત મહાપાલિકા પણ વાહન ખરીદી ઉપર 2 ટકા વાહનવેરો વસુલે છે, અને તે ઉપરાંત દરેક ચીજમાં GST અને આવક ઉપર ઈન્કમટેક્સ તો ચૂકવીએ છીએ તો પછી ટોલટેક્સનો બોજ જનતા ઉપર શા માટે? અને તે પણ એવો બોજ જે દર વર્ષે વધતો જાય છે અને ઘટતો નથી. (2) ટોલટેક્સ દેશ માટે જરૂરી છે તો ટોલનાકા ઉપર દેશમાં જેને સામાન્ય મધ્યમવર્ગથી ઉંચું વેતન મળવાપાત્ર હોય છે તેવા વી.વી.આઈ.પી.ઓને ટોલટેક્સથી કેમ મુક્તિ અપાઈ છે? અન્ય બધા લોકો ધંધો કરવા હાઈવેનો ઉપયોગ કરતા નથી, ઘણા તો ફરજના ભાગરૂપે જતા આવતા હોય છે. (3) આટલો ટેક્સ ઉપર ટોલટેક્સ વસુલવા છતાં રાજકોટ જેવા મહાનગરમાં પસાર થતા હાઈવે ઉપર લાંબો સમય ગાબડાં કેમ રહે છે? હાઈવે ભંગાર કેમ? જનતાના આ પ્રશ્નો નિરૂત્તર છે.
મીનળદેવીએ યાત્રાવેરો બંધ કરાવ્યો હતો, હવે ટોલટેક્ષ ચાલુ
સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, પોરબંદર, માટેલ, જુનાગઢ સહિત યાત્રાધામોએ એકમાત્ર દર્શનની ભાવનાથી જતા લોકોએ જ્યારે ટોલટેક્સ ચૂકવવો પડે છે ત્યારે સહજ રીતે સિધ્ધરાજ જયસિંહના રાજ વખતે સોમનાથ દર્શન કરવા બાહુલોડ પાસે વસુલાતો વેરો યાદ આવે છે. આ વેરો વસુલાતો હોવાનું પ્રજાવત્સલ મીનળદેવીના ધ્યાને આવતા તેમને સિધ્ધરાજને કહીને તે રદ કરાવ્યો. ઈતિહસાસકારોના મતે એ સમયમાં રાજાએ આ વેરો રદ કરવાથી પ્રતિ વર્ષ રૂ।. 72 લાખ (આજે કરોડો અબજોમાં થાય) આવક ગુમાવી પડી હતી પરંતુ, લોકોએ અમૂલ્ય આશિર્વાદ આપ્યા હતા.