Get The App

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર 'સહાય' આપશે

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર 'સહાય' આપશે 1 - image

એક હાથે ટેકો ઓછો કરી નાખ્યો, બીજા હાથે 'અભૂતપૂર્વ પેકેજ' ટેકાના ભાવની 75  મણ ઓછી મગફળી ખરીદતાં ખેડૂતને પારાવાર નુકસાન : બીજી બાજુ માવઠાંથી નુકસાનીનું કહેવાતું જંગી વળતર

જૂનાગઢ, : રાહત પેકેજ, ટેકાના ભાવની ખરીદી સહિતના મુદ્દે સરકાર પ્રત્યે ખેડૂતોને ભારોભાર રોષ છે. એક ખેડૂત અગ્રણીએ તો રાહત પેકેજ કેવી રીતે લોલીપોપ તેનો હિસાબ વર્ણવ્યો છે, જે મુજબ બજારભાવ અને ટેકાના ભાવમાં એક મણે અંદાજિત રૂ. 450નો ફરક છે. સરકાર આ વખતે ખેડૂતદીઠ 75 મણ ઓછી મગફળી ખરીદ કરે છે જેથી 75 મણના 450 લેખે સરકારના રૂ.33,900 બચે છે. આથી, 44,000 નું રાહત પેકેજ આપે તેમાં સરકારને માત્ર 10,000 રૂપિયા જેવી રકમ જ ભેળવવી પડી રહી છે. આમ, એક બાજુ કાપી- બીજી બાજુ આપીને ખોટો જશ લેવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠયા છે.

સરકારે થોડા દિવસ પહેલા 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરીને હેક્ટરદીઠ 22,000ની અને વધુમાં વધુ બે હેક્ટર સુધીની સહાય ચુકવવા જાહેરાત કરી છે. આ રાહત પેકેજનો ઠેકઠેકાણે વિરોધ થઈ રહ્યો છે. ખેડૂત અગ્રણીઓ સહિતનાઓ રાહત પેકેજને લોલીપોપ ગણાવી રહ્યા છે.

ગત વર્ષે સરકાર ટેકાના ભાવે ખેડૂતદીઠ 200 મણ મગફળીની ખરીદી કરતી હતી, આ વખતે 200ને બદલે 125 મણ ખરીદી કરી 75  મણનો કાપ મુક્યો છે. હાલમાં મગફળીના એક મણના બજાર ભાવ 800થી 1200 સુધીના છે, જેથી સરેરાશ 1,000 રૂપિયા ભાવ ગણી શકાય. જ્યારે ટેકાના ભાવમાં  સરકાર ખેડૂતોને એક મણના 1452 રૂપિયા ચુકવે છે. સરેરાશ બજાર કિંમત અને ટેકાના ભાવમાં 452રૂપિયાનો એક મણે તફાવત છે. આ તફાવત મુજબ ૭પ મણના તફાવતની રકમ 33,900  થાય છે, જેથી સરકારે ખેડૂતદીઠ 75 મણ ઓછી મગફળી ખરીદી કરી ખેડૂતોને મળતી મદદમાં 33,900 નો કાપ તો મુકી જ દીધો છે. આની સામે રાહત પેકેજ મુજબ વધુમાં વધુ 44,000 ની સહાય ચુકવવાની જાહેરાત કરી છે તે જાહેરાત મુજબ ખેડૂતને મળતી મદદમાં 33,900 નો કાપ મુકી 44,000ની સહાય ચુકવવાની જાહેરાતને ખેડૂતો લોલપોપ ગણાવે છે.