Gujarat

સરકારની સલામત સવારી બની 'કાળ': છોટાઉદેપુરમાં પૂનમ ભરી પરત ફરતા બાઇકને ST બસની ટક્કર, એક યુવાનનું મોત, એકની હાલત ગંભીર

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામ પાસે વહેલી સવારે ST બસે બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચઠ્ઠાવાડા ગામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેજબાપુની પૂનમ ભરી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. બોડેલી ડેપોમાંથી બસ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારને સહાયની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારની સલામત સવારી બની 'કાળ': છોટાઉદેપુરમાં પૂનમ ભરી પરત ફરતા બાઇકને ST બસની ટક્કર, એક યુવાનનું મોત, એકની હાલત ગંભીર

Chhota Udepur Road Accident: છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામ પાસે વહેલી સવારે પૂરઝડપે આવી રહેલી એસ.ટી. બસે એક બાઈકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ચઠ્ઠાવાડા ગામના એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે બાઈક પર પાછળ બેઠેલા અન્ય એક યુવાનને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પૂનમ ભરીને પરત ફરતી વખતે બની ઘટના

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર તાલુકાના ચઠ્ઠાવાડા ગામના ભક્તજનો અલગ-અલગ વાહનો લઈને ચલાવાડા મુકામે તેજબાપુની પૂનમ ભરવા માટે ગયા હતા. વહેલી સવારે આશરે 3:00 વાગ્યે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થતાં તમામ લોકો પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ઠંડી હોવાને કારણે તેઓ ધીમી ગતિએ વાહનો ચલાવી રહ્યા હતા. દરમિયાન સવારે 5:30 વાગ્યાના અરસામાં પુનિયાવાંટ ગામ પાસે આવેલી હોસ્પિટલ નજીક આગળ જઈ રહેલી યુવકની બાઈકને છોટાઉદેપુરથી અંબાજી જતી પાલનપુર ડિવિઝનની એસ.ટી. બસે અડફેટે લીધી હતી.

એકનું મોત, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા અન્ય એક યુવકને પગમાં ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 મારફતે બોડેલીની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકોનાં ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી સમગ્ર ચઠ્ઠાવાડા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બોડેલી ડેપોથી બસ મળી આવી, પોલીસ તપાસ શરૂ

ઘટના સમયે પાછળ આવી રહેલા અન્ય ગ્રામજનોએ આ અકસ્માત નજરે જોયો હતો. ત્યારબાદ બસની શોધખોળ કરતાં આ બસ બોડેલી બસ ડેપો ખાતેથી મળી આવી હતી. બીજી તરફ, છોટાઉદેપુર બસ ડેપો મેનેજરે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર બસનો ડ્રાઈવર હાલ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં હાજર છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગરીબ પરિવારને સરકારી સહાયની માંગ

મૃતક અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગ્રામજનોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે મૃતકના પરિવારને તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.