શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર
BLOના કામ માટે અલગ કેડર બનાવવા માંગ : અખિલ ભારતીય શૈક્ષિક સંઘ મહાસંઘ દ્વારા શિક્ષકોને સોંપાતા કાર્યો બંધ કરવા સુધારણા પંચના અધ્યક્ષને રજૂઆત
જૂનાગઢ, : સરકાર દ્વારા શિક્ષકો પાસેથી હાલ 100 જેટલી બિનશૈક્ષણિક કામગીરી સોંપવામાં આવે છે. જેના કારણે શિક્ષણ કાર્ય પર અસર થાય છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીના સલાહકાર અને વહીવટી સુધારણા પંચના અધ્યક્ષને રજુઆત કરી શિક્ષકોને સોંપાતા શિક્ષણેત્તર કાર્યો બંધ કરવા માંગ કરી છે.
ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી જેવી કે વસ્તી ગણતરી, મતદાર યાદી સુધારણા, ચૂંટણી સમયે ચેકપોસ્ટ પર વિડીયોગ્રાફી સાથે ચેકિંગ, વીઆઈપીની સરભરા, શૌચાલય ગણતરી, તીડ ઉડાવવા, રસીકરણની માહિતીનો સર્વે, હોસ્પિટલ, ટોલનાકા પર ડયુટી સોંપવામાં આવે છે. આ કારણોસર શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય માટે પુરતો સમય આપી શકતા નથી.
આ મુદ્દે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર અને ગુજરાત વહિવટી સુધારણા પંચના અધ્યક્ષને રજુઆત કરી બીએલઓના કામ માટે શિક્ષક સિવાયની કેડર બનાવવા, જીલ્લા તાલુકાની કચેરીઓમાં શિક્ષકો પાસેથી કામ લેવાનું બંધ કરવા, વિવિધ એપ્લીકેશન પર કામ અને ઓનલાઈન કામગીરી ઘટાડવાની માંગણી કરી છે.