Get The App

ગરીબોની ચિંતા કરનારી સરકારે ઇ કેવાયસી નહી કરાવનાર ગરીબ લાભાર્થીઓનું અનાજ બંધ કરી દીધું

ઓનલાઇન રેશનકાર્ડમાં લાભાર્થીનું નામ હાઇડ કરી દેતા હવે અનાજ મળવાનું બંર્ધં થતા રેશનિંગ દુકાનોમાં રોજ ઝઘડા

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
ગરીબોની ચિંતા કરનારી સરકારે  ઇ કેવાયસી નહી કરાવનાર ગરીબ લાભાર્થીઓનું અનાજ બંધ કરી દીધું 1 - image

વડોદરા, તા.18 રાજ્ય સરકારે રેશનકાર્ડમાં નોંધાયેલા  લાભાર્થીનું ઇ કેવાયસી ના કરાવ્યું હોય તે લાભાર્થીઓના  નામનો અનાજ પુરવઠો બંધ કરી દીધો છે. ગરીબોની ચિંતા કરતી સરકાર દ્વારા અચાનક આ નિર્ણયના પગલે લાભાર્થીઓ ઉપરાંત રેશનકાર્ડ દુકાનના સંચાલકાની પરેશાનીે પણ વધી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે રેશનકાર્ડનો પુરવઠો અનાજ માફિયાઓ ઘર કરી જતા હોવાની અનેક ફરિયાદોના પગલે સરકાર દ્વારા રેશનકાર્ડના લાભાર્થીઓનું ઇ કેવાયસી કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથી સાચા લાભાર્થીઓને અનાજનો પુરવઠો મળી રહે. ઇ કેવાયસી માટેની પહેલ ગત વર્ષના મધ્યમાં શરૃ કરવામાં આવી હતી. શરૃઆતમાં ઇ કેવાયસી માટે કોઇ રસ દાખવતું નહી હોવાથી સરકાર દ્વારા વ્યાપક પ્રયત્નો કરવામાં આવ્યા  હતાં.

રેશનકાર્ડ દુકાનના સંચાલકો પર પુરવઠા વિભાગ દ્વારા સખત દબાણો કરવામાં આવતા હતા અને ઇ કેવાયસીની સંખ્યા વધારવામાં આવતી હતી. લાભાર્થીઓને અનાજ મેળવવું  હોય તો ઇ કેવાયસી કરાવવું પડશે અને જો નહી કરાવો તો ભવિષ્યમાં અનાજ બંધ થઇ જશે તેવી ચેતવણીે અપાતી હતી અને થયું પણ એવું જ, સરકારે અગાઉ કહ્યું હતું કે ઇ કેવાયસી નહી કરાવો તો પણ અનાજ મળશે પરંતુ ગરીબોને આપેલા વચનમાંથી સરકાર ફરી ગઇ અને આખરે અનાજનો પુરવઠો આપવાનું બંધ કરી દેવાયું છે.

મે મહિનાથી જ સમગ્ર રાજ્યમાં ઇ કેવાયસી નહી કરાવનાર લાભાર્થીઓનું અનાજ બંધ કરી દેવાયું છે. રાજ્ય સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના અનાજ મેળવતા કાર્ડધારકોના  નામો ઓનલાઇન રેશનકાર્ડમાંથી હાઇડ (છુપાવ્યા) કરી દેવામાં આવ્યા છે. ઓનલાઇન નામો નહી દેખાતા હવે તે લાભાર્થીઓના નામનું અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહથી લાભાર્થીઓના નામો હાઇડ કરી દેવાતા હવે અનાજનો પુરવઠો નહી મળતાં રેશનકાર્ડની દુકાનોમાં પણ લાભાર્થી તેમજ દુકાનના સંચાલકો વચ્ચે રકઝક થતી જોવા મળે  છે.

ઇ કેવાયસીની રકમ દુકાનોના સંચાલકોને હજી ચૂકવાઇ નથી

રેશનકાર્ડમાં ઇ કેવાયસી માટે કોમ્પ્યુટર ઓપરેટરને રૃા.૫ સરકાર દ્વારા ચૂકવવામાં આવતા હતાં પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થતો  હોવાનું બહાર આવતા આખરે ઇ કેવાયસીની કામગીરી રેશનકાર્ડ દુકાનોના સંચાલકોને સોંપવામાં આવી હતી. આ માટે એક કેવાયસી માટે રૃા.૫ આપવાનું નક્કી કરાયું હતું. 

જો કે ત્યાર પછી રેશનકાર્ડ દુકાનોના સંચાલકો પાસેથી પણ તે કામ આંચકી લઇને પોસ્ટ વિભાગને અપાયું હતું અને તે માટે પોસ્ટ વિભાગને એક કેવાયસી માટે રૃા.૨૫ અપાતા હતાં. મહત્વની બાબત એ છે કે રેશનકાર્ડ દુકાનના સંચાલકોને ઇ કેવાયસીનું કામ નહી કરવાનું હોવા છતાં સરકારે જબરજસ્તી સોંપ્યું હતું અને હજી સુધી ઇ કેવાયસીની રકમ પણ સંચાલકોને ચૂકવવામાં આવી નથી.

પુરવઠા મંત્રીએ કહ્યું હતું અનાજ બંધ નહી થાય છતાં  થઇ ગયું

રેશનકાર્ડના લાભાર્થીઓએ ઇ કેવાયસી નહી કરાવ્યું હોય તો તેમને અનાજનો પુરવઠો નહી મળે તેવી અગાઉ અફવાઓના પગલે રાજ્યના નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજી બાવળિયાએ  કહ્યું હતું કે ઇ કેવાયસી નહી કરાવ્યું હોય તેવા લાભાર્થીઓનું પણ અનાજ બંધ નહી થાય, પુરવઠા મંત્રીની આ હૈયાધારણના પગલે રાજ્યના લાખો ગરીબ લાભાર્થીઓને રાહત થઇ હતી પરંતુ હવે કોઇપણ જાતની જાહેરાત વગર જ ઇ કેવાયસી ના કરાવ્યું હોય તેવા લાભાર્થીઓનું અનાજ બંધ કરી દેવાયું છે.

રેશનકાર્ડમાં નામો રદ નહી માત્ર હાઇડ કરાયા છે

ઇ કેવાયસી નહી કરાવનાર રેશનકાર્ડ લાભાર્થીનું અનાજ બંધ કરી દેવાતા રાજ્યભરમાં ભારે હોબાળો મચ્યો છે. રેશનકાર્ડ દુકાનોના સંચાલકોને રોજે રોજ હેરાન થવાનો વારો આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું  હતું કે ઓનલાઇન નામો માત્ર હાઇડ કરી દેવાયા છે, રદ નથી કરાયા જેથી ઇ કેવાયસી કરાવશો તો અનાજ ચાલુ થઇ જશે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં અનાજનો પુરવઠો મેળવતા ૨.૭૫ લાખ એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યૂરિટિ એક્ટ) રેશનકાર્ડ છે જેઓ સરકારી અનાજનો પુરવઠો લેતા હોય છે.

Tags :