Gujarat

સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્ય બદલ સરકારી શાળા સન્માનિત

By GS TEAM
26 Aug 20251 min read
સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી કાર્ય બદલ સરકારી શાળા સન્માનિત

વડોદરા, તા.26 વડોદરા નજીક ગ્રામ્ય કોયલીની ઇકો ફ્રેન્ડલી સરકારી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાને સ્વચ્છતા અને પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ સક્ષમ શાળાનો પુરસ્કાર આપી જિલ્લા કક્ષાએ સન્માનિત કરાઇ છે.

૧૯૮૫માં સ્થાપિત આ શાળા ધોરણ ૮ સુધીના ૩૨૯ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, જેમાંથી મોટાભાગના આર્થિક રીતે નબળા વર્ગના છે. શાળાના આચાર્ય રાકેશ પટેલે કહ્યું કે, 'અમે એક બાળક, એક છોડ' નો ખ્યાલ શરૃ કર્યો છે. વિદ્યાર્થીઓને તેમના જન્મદિવસ પર છોડનું વિતરણ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.

 શાળામાં વર્મીકમ્પોસ્ટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા, વીજળીનો વપરાશ ઘટાડવા માટે ૩.૫ કેવીની સોલર પેનલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક ખેતી પણ કરાય છે.

જન્મદિવસ પર વિદ્યાર્થીઓ સાબુ ભેટ તરીકે લાવે છે, જેનો ઉપયોગ હાથ ધોવા માટે થાય છે. અહીં, 'રામ હાટ' નામની વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ  સ્ટેશનરી ખરીદી શકે છે. પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે કરૃણા કેળવવા વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઘર અને પાણીના વાસણો મૂકવામાં આવ્યા છે. શાળાને 'સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેકટ ઓફિસ' દ્વારા ક્લાયમેટ ચેન્જ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સ્તરે સન્માનિત કરાઇ છે.