- કંપનીના જમીન સંપાદનના તાર એનએ કૌભાંડ સાથે જોડાયેલા હોવાની ચર્ચા
- જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફૂટયો ભાંડો : 8 મહિનાથી સરકારી જમીનમાં દબાણ કરી ગેરકાયદે રીતે ઉત્પન્ન કરેલી વીજળી સરકારને વેચી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે કાર્યરત 'એનેસી સોલાર પ્લાન્ટ પ્રા.લી.' કંપની ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમળમાં રહેલી આ કંપની પર હવે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવાનો આક્ષેપ લાગ્યો છે. સોલાર પ્લાન્ટના વીજ જોડાણ માટે નાખવામાં આવેલા કુલ ૭૩ વીજપોલ પૈકી ૪૮ વીજપોલ કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વગર સરકારી જમીન પર ઊભા કરી દેવામાં આવ્યા છે. આ મામલો બહાર આવતા જ સ્થાનિક તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સામે લાંચના કેસમાં થયેલી કાર્યવાહી સાથે પણ 'એનેસી સોલાર પ્લાન્ટ પ્રા.લી.'ના જમીન સંપાદન સંબંધિત તાર જોડાયેલા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. સરકારી સંપત્તિનો ખાનગી ફાયદા માટે ઉપયોગ કરવાના આ કૃત્યથી લોકોમાં ભારે આક્રોશ છે. જાગૃત નાગરિક અશ્વિનભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ મુદ્દે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા આપવામાં આવેલા જવાબમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે ૪૮ વીજપોલ સરકારી જમીન પર પૂર્વ મંજૂરી વગર જ ઊભા કરી દેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છેલ્લા ૦૮ મહિનાથી સોલાર પ્લાન્ટમાંથી સબ સ્ટેશન સુધી વીજ પુરવઠો પહોંચાડવાની પ્રક્રિયા ચાલુ છે. એટલે કે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા વીજ પોલ મારફતે વીજ પાવરનું વહન થતું હોવાની સ્પષ્ટ સંભાવના છે. એટલું જ નહીં એનેસી સોલાર પાવર લિમિટેડ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ઉત્પન્ન કરાયેલો વીજ પાવર સરકારને વહેચી ગેરકાયદેસરને કાયદેસર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મોટા પાયે નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં સ્થાનિક પ્રાંત અધિકારી કે જિલ્લા તંત્ર કેમ અજાણ રહ્યું, તે એક મોટો તપાસનો વિષય છે. બીજી તરફ, જો નિર્ધારિત સમયમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિકો અને અરજદાર સહિતના નાગરિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી માંગ પણ હવે જોર પકડી રહી છે.
26 મી સુધીમાં ગેરકાયદે પોલ દૂર કરવામાં આવશેઃ પ્રાંત અધિકારી
આ મામલે ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યે જણાવ્યું હતું કે, જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ દ્વારા જ આ ગંભીર ક્ષતિ અંગે જાણકારી મળી છે. તેમણે ખાતરી આપી છે કે આગામી ૨૬ જાન્યુઆરી સુધીમાં સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર વીજપોલનું નિરીક્ષણ કરવામાં આવશે અને તેને હટાવવાની કામગીરી પૂર્ણ કરાશે. જરૂર પડશે તો લેન્ડ ગ્રેબિંગ સુધીની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી.


