Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી એકવાર માવઠાની આફત તોળાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાત સરકારનો કૃષિ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. 1 જાન્યુઆરી-2026 સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાને જોતાં ખેડૂતોને પાક રક્ષણ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં વરસાદની વકી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આ આગાહીને ગંભીરતાથી લઈ કૃષિ મંત્રીએ ખેડૂતોને અગમચેતીના પગલાં ભરવા ખાસ અનુરોધ કર્યો છે.
ખેડૂતો માટે કૃષિ વિભાગની મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા
કાપણી કરેલ પાકને સુરક્ષિત કરો: ખેતરમાં જે પાકની કાપણી થઈ ગઈ હોય તેને તાત્કાલિક સલામત સ્થળે અથવા ગોડાઉનમાં ખસેડવો.
તાડપત્રીનો ઉપયોગ: જો પાક ખુલ્લામાં હોય તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકવો. ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી અનાજ નીચે ન ઘૂસે.
ખાતર-બિયારણની સાચવણી: વાવણી કે ખેતીકામ માટે રાખેલ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તેની તકેદારી રાખવી.
દવાનો છંટકાવ ટાળવો: વરસાદી માહોલ હોવાથી આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ન કરવો, અન્યથા દવાનું ધોવાણ થતાં ખર્ચ માથે પડી શકે છે.
APMC અને વેપારીઓ માટે સૂચના
માત્ર ખેતર જ નહીં, પણ બજાર સમિતિઓમાં પણ નુકસાન ન થાય તે માટે સૂચના અપાઈ છે. APMCમાં રહેલો અનાજનો જથ્થો શેડ નીચે રાખવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવો. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી આ દિવસો દરમિયાન વેચાણ અર્થે જણસ લાવવાનું ટાળવું અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે લાવવી.


