ગોંડલ અને રીબડા જૂથની લડાઈમાં સરકારની એન્ટ્રી, રાજકોટ કલેક્ટર પાસે રિપોર્ટ માગ્યો
રીબડાના અનિરુદ્ધસિંહનું હથિયાર લાઇસન્સ રદ થઈ શકે
રાજકોટ, 5 ડિસેમ્બર 2023 ગુરૂવાર
ગોંડલ અને રીબડા જૂથની લડાઈમાં હવે સરકારની એન્ટ્રી થઈ ગઈ છે. ચૂંટણી સમયે બંને જૂથો વચ્ચેની લડાઈનું રાજકારણ જોવા મળ્યું હતું. ચૂંટણીમાં ગોંડલ જૂથની જીત થયા બાદ હવે આ મુદ્દે સરકારે એન્ટ્રી કરી છે. સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે કલેક્ટર પાસે સમગ્ર મુદ્દે રીપોર્ટ માંગ્યો છે. આ રીપોર્ટને પગલે રીબડા જૂથના અનિરૂદ્ધસિંહનું હથિયારનું લાયસન્સ રદ થવાની શક્યતાઓ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે મેં હજુ હથિયાર હેઠાં મૂક્યા નથી
ચૂંટણી સમયે જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહનું જૂથ આમને સામને આવતાં મોટો હોબાળો થયો હતો. ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબા 43,313 મતથી ચૂંટણી જીતી ગયાં છે. પરંતુ હજી અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચેનો જંગ હજુ ચાલુ જ છે.તાજેતરમાં પાટીદારો દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા ગામમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં જયરાજસિંહે ફરીવાર રીબડા જૂથની પિપૂડી બંધ કરવાનું નિવેદન કરતાં જ માહોલ ગરમાયો હતો. જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે મેં હજુ હથિયાર હેઠાં મૂક્યા નથી. પહેલા તો રીબડા ગામના જેટલા મતદારો રાજકોટમાં છે તેને મારી નમ્ર વિનંતિ છે કે તમે પહેલા રીબડામાં દાખલ થઈ જાઓ.
સમાધાન કરાવવા ક્ષત્રિય આગેવાનોએ તૈયારી પણ બતાવી
થોડા દિવસો અગાઉ રીબડા ગામે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે અથડામણ થતાં મામલો બિચક્યો હતો અને જિલ્લાભરની પોલીસ રીબડા અને ગોંડલ ખાતે ગોઠવાઈ ગઈ હતી.ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખૂંટ નામના યુવાને એ સમયે મીડિયાને જણાવ્યું હતું કે, 'મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંદૂક રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન કરાવવા ક્ષત્રિય આગેવાનોએ તૈયારી પણ બતાવી હતી. પરંતુ તેનો કોઈ નિચોડ આવ્યો નહોતો.