Get The App

વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી

પાંચેય બ્રિજ બનાવવા માટે ફંડ સરકાર આપશે બ્રિજને પ્રાથમિક કામગીરી ટૂંક સમયમાં શરૃ થશે

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી 1 - image

વડોદરા,વડોદરા શહેરમાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે જનરલ એરેન્જમેન્ટ ડ્રોઈંગ (જીએડી)ને લીલી ઝંડી આપી છે. જો કે આમાંથી બે ત્રણ બ્રિજ અંગે છેલ્લા ઘણા સમયતી સરકાર દ્વારા મંજૂરી આપવાનું બાકી રાખ્યું હતું.

આ પાંચ બ્રિજ માટે હાલના તબક્કે આશરે ૫૦૦ કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આપ્યો છે. કોર્પોરેશનમાં તાજેતરમાં અઠવાડિક સમીક્ષા બેઠક દરમિયાન જીએડીની મંજૂરી સંદર્ભે માહિતી અપાઈ હતી. આ મંજૂરી મળતા જ કોર્પોરેશનનું તંત્ર બ્રિજને લગતી પ્રાથમિક કામગીરી શરૃ કરશે.

કોર્પોરેશનના વર્તુળોના કહેવા મુજબ આ બ્રિજ બનાવવા માટેનું ફંડ સરકાર આપશે. આમછતાં દરેક બ્રિજ પાછળ કેટલોક ખર્ચ થશે, ક્યારે કામગીરી શરૃ થશે, ક્યારે પૂર્ણ કરાશે વગેરે મુદ્દે દિવાળી બાદ તંત્ર કામગીરી શરૃ કરશે.

જે પાંચ બ્રિજ મંજૂર કરાયા છે, તેમાં બાજવા રેલવે ઓવરબ્રિજ, વુડા સર્કલ ફ્લાઈ ઓવર, ગોત્રી રોડ ફ્લાઈ ઓવર - યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા, કામનાથ મહાદેવ મંદિર અને સુસેન - તરસાલી ચાર રસ્તા પરનો સમાવેશ થાય છે.

હાલમાં વડોદરામાં ૧૩ રેલવે ઓવરબ્રિજ, ૪ ફ્લાઈ ઓવરબ્રિજ, ૨૫ રિવર અને ખાડી બ્રિજ મળી કુલ ૪૩ બ્રિજ છે. કોર્પોરેશને હજી થોડા સમય પહેલા અટલાદરા - માંજલપુર રોડ લાઈન પર માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા જતા ૩૬ મીટરની રોડ લાઈન પર મુંબઈ - અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઈન પર આશરે ૫૪ કરોડના ખર્ચે બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. અલકાપુરી ડેરીડેન થઈ કાલાઘોડા થઈ જેલ રોડ સુધીનો સંયુક્ત બ્રિજ ૩૦૦ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે.


હાલ ૪૧૬ કરોડના ખર્ચે ૯ બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ

વડોદરા,

વડોદરામાં ૪૩ રિવર, ખાડી, રેલવે અને ફ્લાઈ ઓવર બ્રિજ છે. જેમાંથી ૪૧ બ્રિજ પ્રિ-મોન્સૂન ઈન્સ્પેક્શનમાં પાસ થયા છે અને તેની સ્ટ્રક્ચર - સ્ટેબિલિટી બરાબર જણાઈ છે. બે જૂના બ્રિજ જાંબુવા અને કમાટીબાગની અંદરનો જર્જરિત હોવાથી તેના પરથી વાહનવ્યવહાર બંધ કરાયો છે. હાલ ૪૧૬.૭૯ કરોડના ખર્ચે નવ બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેમાં વૃંદાવન ચાર રસ્તા, સરદાર એસ્ટેટ, ખોડિયારનગર, સમા-હરણી અબાકસ સર્કલ, બિલ - ભાયલી, વાસણા, બાલભવન - કારેલીબાગની કામગીરી ચાલુ છે. કોટેશ્વર અને નાગરવાડા (પહોળાઈ વધારવા)નું કામ ચાલુ થવાનું બાકી છે. આ બધી કામગીરી બે વર્ષમાં પૂર્ણ થશે. વૃંદાવન, સરદાર એસ્ટેટ અને ખોડિયારનગરનો બ્રિજ આઈકોનિક બને તેવું આયોજન છે. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીમાં ૩૧૨.૭૧ કરોડના ખર્ચે પાંચ બ્રિજનું લોકાર્પણ કરાયું છે. જેમાં અટલ બ્રિજનો પણ સમાવેશ થાય છે. હવે સુશેન, વુડા, માણેકપાર્ક, ગોરવા, બાજવા, અલકાપુરી વગેરે બ્રિજ ૯૬૦ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે. જેના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બાકી છે.


Tags :