Get The App

'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું 1 - image

Gopal Italia Shoes Attack News : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'ગુજરાત જોડો યાત્રા' અંતર્ગત ગઈકાલે (5 ડિસેમ્બર) જામનગરમાં યોજાયેલી બાઇક રેલી અને જાહેર સભામાં મોટો રાજકીય હંગામો થયો હતો. જ્યારે AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધી રહ્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ સભા સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.


ઘટના અને ઇટાલિયાનો પોલીસ પર ગંભીર આક્ષેપ

જૂતું ફેંકાતાની સાથે જ સભામાં ઉપસ્થિત AAPના કાર્યકરો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને તેની ધોલાઈ કરી હતી. આ સમયે પોલીસ પણ હુમલાખોરને પકડવા માટે દોડી આવી હતી. જોકે, ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી હતી. જોકે, બાદમાં પોલીસે હુમલાખોરની અટકાયત કરી લીધી હતી.

'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું 2 - image

જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાનો 'બદલા'નો દાવો

પોલીસ અટકાયત પહેલા જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યો હતો અને પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે આ કૃત્ય પાછળનું ચોંકાવનારું કારણ આપતા જણાવ્યું હતું કે,  "અગાઉ ગુજરાત રાજ્ય સરકારના તત્કાલીન મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જાહેર સભા દરમિયાન જૂતું ફેંક્યું હતું. તે સમયથી મને વસવસો રહી ગયો હતો. આજે મોકો જોઇને, મેં મારા સમાજનો બદલો વાળ્યો છે. આનાથી મને સંતોષ થયો છે."


છત્રપાલસિંહ કોંંગ્રેસનો કાર્યકર? 

આ ઘટનાને પગલે નવું રાજકીય પાસું સામે આવ્યું છે. મુખ્ય આરોપી છત્રપાલસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે તે કોંગ્રેસનો કાર્યકર છે. જોકે, વિરોધાભાસી રીતે તેણે એ પણ જણાવ્યું કે તે AAPના ધારાસભ્ય હેમંત ખવવાને પોતાના ગુરુ માને છે.

'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું 3 - image

કોંગ્રેસ પ્રમુખ સાથે છત્રપાલસિંહનો ફોટો વાઈરલ

આ તમામ વિવાદ વચ્ચે છત્રપાલસિંહનો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથેના એક ગૃપ ફોટોમાં જોવા મળી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે કે આ ઘટના સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી.

ઘટનાનું સ્થળ: જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરો 'આપ'માં જોડાયા

જામનગર સહિતની મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણ માસમાં યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષોમાં જોડાણ અને રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. જે સભામાં આ ઘટના બની, તે જ કાર્યક્રમમાં બે દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનબબેન ખફી સહિત અન્ય બે કોર્પોરેટર અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા, તેમજ અનેક આગેવાનો અને સમર્થકો વિધિવત રીતે AAPમાં જોડાયા હતા.

તત્કાલીન મંત્રી પરના જૂતાકાંડના બદલાની ભાવનાથી થયેલા આ હુમલાએ જામનગરના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે, ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે આ ઘટનાના પડઘા દૂર સુધી સંભળાશે.

Tags :