'જૂનાગઢની સાવજ ડેરીમાં કેમિકલવાળુ દૂધ પેકિંગ થાય છે', ભાજપ નેતા કિરીટ પટેલ પર ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
Gopal Italia allegation : વિસાવદર વિધાનસભા બેઠક પરથી તાજેતરમાં ચૂંટાયેલા નેતા ગોપાલ ઇટાલિયા હાલમાં સોશિયલ મીડિયામાં ચેલેન્જ વોરના લીધે ખૂબ ચર્ચામાં છે. ત્યારે વંથલી ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપના માણસો જૂનાગઢની સાવજ ડેરીમાં કેમિકલવાળુ દૂધ પેકિંગ કરે છે, જે પીવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના મળતિયાઓ નકલી મંડળી બનાવી મતદાન કરાવીને ચૂંટણી જીતી જાય છે. ત્યારબાદ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેકિંગ થાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. તેમછતાં આપણો આત્મા જાગતો નથી, આપણે હિન્દુ-મુસ્લિમ અને પાકિસ્તાનમાં જ અટવાયેલા છીએ. આ કેમિકલવાળું દૂધ કિરીટ પટેલ અને તેના માણસો પીવડાવે છે.
આ પણ વાંચો: ચેલેન્જના રાજકારણમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની એન્ટ્રી, ઇટાલિયા અને અમૃતિયાને કરી ટકોર
દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. આ દૂધ આપણે પીએ છીએ અને પછી આપણને કેન્સર થાય છે. ભાજપના મળતિયાઓ ડેરીમાંથી કરોડોનું કમિશન મેળવે છે. એટલે તેઓ ચોખ્ખું દૂધ આપી શકતા નથી.
વધુમાં ગોપાલ ઇટાલિયાએ માણાવદર રિવરફ્રન્ટ વિશે નિવેદન આપતાં કહ્યું હતું કે 'કરોડોના ખર્ચે બનાવેલો માણાવદરનો રિવરફ્રન્ટ પૂર્ણ થઇ ગયો છે છતાં ધૂળ ખાય છે. લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી, અનાથ બની ગયો છે. જો તાત્કાલિક રિવરફ્રન્ટ ખુલ્લો મુકવામાં નહી આવે તો, આગામી સમયમાં લોકોને સાથે રાખી રિવર ફ્રન્ટનું લોકાર્પણ કરી ત્યાં ઇટાલિયાની નેમ પ્લેટ લગાવી આમ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. ઉલ્લેખનીય ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ વિસાવદર સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાજકારણ ગરમાવાની શક્યતા છે.