- આણંદ જિલ્લામાં તસ્કરોનો તરખાટ
- તસ્કરો બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ લઈ ફરાર
આણંદ : આણંદ પાસેના બાકરોલ ગામના ધોળાકુવા વિસ્તારમાં આવેલી એક સોસાયટી ખાતે ત્રાટકેલ તસ્કરો એક બંધ મકાનમાંથી રૂપિયા ૪.૪૩ લાખની કિંમતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાયો છે.
મૂળ ખેડા જિલ્લાના ઠાસરાના ડાકોરના વતની રમેશભાઈ મોહનભાઈ પ્રજાપતિ હાલ આણંદ પાસેના બાકરોલના ધોળાકુવા વિસ્તારમાં આવેલી શિવ ઓમ સોસાયટી ખાતે રહે છે. ગત તારીખ ૧૬મી જાન્યુઆરીના રોજ તેઓ પત્ની સાથે ડાકોર ખાતે વતનમાં ગયા હતા. દરમિયાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૪.૪૩ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સાંજે રમેશભાઈ પ્રજાપતિ પરત આવતા તેઓએ મકાનનું તાળું તૂટેલું જોતા અંદર જઈ તપાસ કરી હતી જેથી મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ અંગે વિદ્યાનગર પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


