સરકાર ટેકાના ભાવે ખરીદીનું હજુ આયોજન કરે છે ત્યારે : માવઠાંના માહોલમાં પણ યાર્ડમાં 25 કરોડની મગફળી તેમજ 24 કરોડનો કપાસ અને 14.80 કરોડના મગ, અડદના સોદા
રાજકોટ, : સરકાર તા. 9 નવેમ્બરથી ખેડૂતો પાસે કેવા નિયમોથી કેટલી જણસી ખરીદીને કેટલો ટેકો આપે છે તે હજુ સવાલો છે ત્યારે બીજી તરફ લાભપાંચમ પછી મુશળધાર માવઠાંની કમોસમ છતાં પણ સૌરાષ્ટ્રના એકમાત્ર રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં જ ખેડૂતોની અનાજ, તેલિબિયા, કઠોળ સહિત 23,095 ટન જણસીનું રૂ. 146.99 કરોડના ભાવથી વેચાણ થયું છે, અર્થાત્ ખેડૂતો પાસેથી આ કૃષિપાક વિવિધ વેપારીઓ દ્વારા ખરીદ કરાયો છે. આમ, સરકારનો ટેકો મળવામાં ઢીલ થઈ છે ત્યારે કેટલીક જણસી ટેકાથી નીચા ભાવે પણ વેચીને યાર્ડમાંથી ટેકો મેળવાય છે.સૌથી વધુ આવક સોયાબીનની 36,700 ક્વિ.થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી પછી લાભ પાંચમ બાદ તા. 27 નવેમ્બરથી યાર્ડમાં મીની વેકેશન પૂરૂં થવા સાથે કૃષિ જણસીના સોદા શરૂ થયા છે. આજ સુધીના આશરે દસ-બાર દિવસમાં એકમાત્ર રાજકોટ યાર્ડમાં જ આશરે રૂ. 24 કરોડનો કપાસ, રૂ. 25 કરોડથી વધુ કિંમતની આશરે 48,000 ક્વિન્ટલ મગફળી,આશરે રૂ. 15 કરોડમાં 23,400 ક્વિન્ટલ મગ અને અડદના ખરીદ વેચાણ થયા છે. કૂલ 42 જણસીઓના સોદા થયા હતા અને હવે સુકુ હવામાન થતા તેમાં ગતિ આવી છે. આ માટે બેડી યાર્ડના સત્તાધીશોએ માલ બગડે નહીં અને વ્યવસ્થા જળવાય તે માટે ટીમો ઉતારી છે. સમગ્ર સૌરાષ્ટમાં ગોંડલ,બોટાદ, મહુવા સહિતના માર્કેટ યાર્ડોમાં અંદાજે રૂ. 1,000 કરોડના કૃષિપાકના સોદા થયા છે.
આ વખતે ટેકાના ભાવે ખરીદી મોડી થઈ રહી છે પરંતુ, બીજી તરફ ખેડૂતોને ખરીફ સીઝનના રોકડાં નાણાંની ખર્ચનું ચક્ર ચલાવવા અનિવાર્ય જરૂર છે. અનેકવિધ ખર્ચ કાઢવા ઉપરાંત રવિ સીઝનની તૈયારી માટે ખેડૂતોને નાણાંની તીવ્ર જરૂર છે. આ સ્થિતિમાં વળી, માવઠાંનો સતત આઠ-દસ દિવસ માહૌલ રહ્યો છતાં યાર્ડમાં થયેલી શેડ વગેરેની વ્યવસ્થા મૂજબ જણસીનું વેચાણ કરાયું છે. જો કે મગફળી સહિત કેટલીક જણસીઓના ભાવ ગત વર્ષથી નીચા છે પરંતુ, પ્રક્રિયાની ઝંઝટ વગર આ ભાવ ફટાફટ ચૂકવવાની યાર્ડમાં પ્રથા રહી છે અને માલ રિજેક્ટ કરવાને બદલે ઓછા ભાવે પણ ખરીદાતો હોય છે.


