વિસાવદર પંથકમાં ઝાપટાં પડતાં માર્કેટયાર્ડમાં જણસ પલળી ગઈ

ઉનાળાની શરૂઆતમાં માવઠાંથી ખેડૂતોમાં ચિંતા : રાત્રિના સમયે વિસાવદર, માંડાવડ, હરિપુરમાં કમોસમી વરસાદ : રવી પાકને નુકસાનની ભીતિ
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી વાતાવરણ પલટાયું છે. ગતરાત્રીના વિસાવદર, માંડાવડ, હરિપુર વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા માંડાવડ યાર્ડમાં રહેલી જણસ પલળી જતા દોડધામ થઈ ગઈ હતી. માવઠાંથી રવી પાકને નુકસાન થવાની ભીતિ વ્યાપી છે. આજે અન્યત્ર વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.
ગતરાત્રીના વિસાવદર, માંડાવડ, હરિપુર ગીર પંથકમાં ઝાપટા પડતા રસ્તા ભીના થઈ ગયા હતા, જ્યારે આજે સાંજે પાંચેક વાગ્યા બાદ પણ વાદળો છવાઈ ગયા હતા. માંડાવડમાં કમોસમી વરસાદ વરસતા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી, ઘઉં સહિતની જણસ પલળી ગઈ હતી. જેના લીધે વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી. અચાનક આવેલા કમોસમી વરસાદથી આશ્ચર્ય ફેલાયું હતું.
હાલ અનેક વિસ્તારોમાં ઘઉં, જીરૂ, ધાણા, ચણા સહિતનો રવી પાક ખેતરમાં ઉભો છે, તો અમુક વિસ્તારમાં લણણી ચાલી રહી છે ત્યારે કમોસમી વરસાદના લીધે રવી પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઇ છે.
વિસાવદર પંથકમાં કમોસમી વરસાદ થયો હતો જ્યારે જૂનાગઢ શહેર સહિતના વિસ્તારોમાં સાંજે વાદળો છવાયા હતા અમુક છાંટા પડયા હતા. ખરીફ પાકના વાવેતર બાદ ભારે વરસાદથી નુકસાન થયું હતું. લણણી સમયે કમોસમી વરસાદ થયો હતો અને હવે રવીપાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે વાતાવરણમાં આવેલા બદલાવથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.








