Get The App

ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો 1 - image

Godhra MGVCL News: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા મેન્ટેનન્સના નામે લાદવામાં આવેલા 13 કલાકના લાંબા વીજકાપને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વીજ પુરવઠો ઠપ્પ થતાં રોષે ભરાયેલા વીજ ગ્રાહકોના ટોળાએ પાવર હાઉસ ખાતે આવેલી MGVCLની મુખ્ય કચેરીએ પહોંચી ઉગ્ર હોબાળો મચાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગોધરા શહેરના સિવિલ લાઈન્સ, ભૂરાવાવ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં મંગળવારની રાતથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે બુધવારે બપોર સુધી પુનઃસ્થાપિત ન થતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હતી. સતત 13 કલાકથી વીજળી ગુલ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરમીથી અકળાયેલા લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી. પાણીની મોટરો બંધ રહેતા ઘરોમાં પાણીનો કકળાટ પણ શરૂ થયો હતો.

વીજ પુરવઠો ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને અધિકારીઓની બેદરકારીથી અકળાયેલા સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને એમજીવીસીએલની કચેરીએ ધસી ગયા હતા. જ્યાં તેમણે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી, જોકે લોકોનો રોષ શાંત પડ્યો ન હતો.

તંત્રના ધાંધિયાથી લોકોમાં આક્રોશ

એક સ્થાનિક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, 'આ કોઈ આજની સમસ્યા નથી. સામાન્ય વરસાદના છાંટા પડતા જ અમારા વિસ્તારમાં લાઈટ જતી રહે છે. ડીમ લાઈટની સમસ્યા તો કાયમી છે.

રહીશોના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે મંગળવારે વીજ કચેરીએ ફોન કર્યો ત્યારે તેમને પહેલા બપોરે 2 વાગ્યે અને ત્યારબાદ 4 વાગ્યે લાઈટ આવી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે, સાંજે 7 વાગ્યા સુધી પણ વીજ પુરવઠો શરૂ ન થતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.

વીજ કચેરીના અધિકારીઓ દ્વારા સબ-સ્ટેશનમાં કામગીરી ચાલતી હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ રહીશોનો આક્ષેપ છે કે સબ-સ્ટેશન પર કોઈ ફોન ઉપાડતું નથી કે કોઈ સ્પષ્ટ જવાબ આપતું નથી. બસ, લાઈટ આવી જશે, આવી જશે કહીને અમને ગોળ ગોળ ફેરવવામાં આવે છે.

ગ્રાહકોના ઉગ્ર રોષ અને હોબાળા બાદ એમજીવીસીએલના અધિકારીઓએ તાત્કાલિક સમારકામની કામગીરી પૂર્ણ કરાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જોકે, આ ઘટનાએ વીજ કંપનીના પ્રી-મોન્સુન મેન્ટેનન્સની કામગીરી અને ગ્રાહક સેવા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.