ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા ખળભળાટ!
Body of Missing Young Man Found In Gondal: ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે મારકૂટ કરાયા બાદ પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ સ્થાનિક પોલીસે નહીં લેતા એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે તપાસ શરૂ થઇ અને હવે યુવાન લાપત્તા બનવાના પોસ્ટર સ્થાનિક પોલીસે જ લગાવ્યા, ત્યાં જ રાજકોટ નજીક વાહન અડફેટે આવીને મૃત્યુ પામનાર અજાણ્યા યુવકની ઓળખ આજે ગોંડલના જ લાપત્તા યુવાન તરીકે થતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે પણ પ્રતિક્રિયા આપી છે.
કૂવાડવા પાસે વાહન અડફેટે મોત થયાના ત્રણ દિવસ બાદ હવે ઓળખ મળતા ઘેરૂં રહસ્ય
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.'
આ પણ વાંચો: ખેડૂતોને 'પાણીચોર' ગણાવતી સરકાર પોતે 'કામચોર', નર્મદાની 6000 કિ.મી. કેનાલનું કામ બાકી
આ દરમિયાન પોલીસને ત્રણ દિવસ પહેલા કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દીશામાં તપાસ શરૂ કરી હતી. જે મરનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
રાજસ્થાનના સાંસદે CBI તપાસની માંગ કરી
ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગે CBI તપાસની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, 'હું ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ લોકોનું ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ.
તેમણે વધુમાં લખ્યું કે, 'હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના ભાઈઓને અપીલ કરું છું કે તેઓ આ પરિવારને મદદ કરે અને ન્યાયની લડાઈમાં તેમને ટેકો આપે. હું ગુજરાત પોલીસને કહેવા માંગુ છું કે, પરિવાર પર અનૈતિક દબાણ ન કરવું જોઈએ. આ હત્યા કેસમાં તાત્કાલિક FIR દાખલ કરવી જોઈએ અને ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ'