ગોંડલનાં વેપારીના ૩૦ ટન ઘઉં બારોબાર વેંચી ટ્રકને સુરત પાસે રેઢો છોડી દીધો
રૂા. 9.30 લાખની છેતરપિંડી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો : ટ્રક કીમ GIDC પાસે ખાલી હાલતમાં સુરત પાસેથી પોલીસને મળી આવ્યો
ગોંડલ : ગોંડલના વેપારીના 30 ટન ઘઉં બારોબાર વેંચી નાંખી મુંબઈના કમિશન એજન્ટ, ટ્રાન્સપોર્ટના માલિક અને ટ્રક ચાલકે રૂ. 9.30 લાખની છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ટ્રક કીમ જીઆઇડીસી (સુરત) પાસે ખાલી હાલતમાં સુરત પાસેથી રેઢો મળી આવતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ગોંડલમાં રહેતાં મયુરભાઈ હસમુખભાઈ ભાલાળા (ઉ.વ. 36)એ નોંધાવેલ ફરીયાદમાંજણાવ્યું હતું કે, તેઓને જામવાડી જીઆઇડીસી, ગંગોત્રી સ્કુલ સામે નેશનલ હાઇવે ઉપર અનાજ સાફ સફાઈનુ ગણેશ એગ્રી શોર્ટટેક્સ નામનું કારખાનું આવેલ છે. ગઇ 28/3ના મુંબઈ ના અનાજના દલાલ ચેતનભાઈ તુલસી ટ્રેડીંગ હસ્તક હીમત કોર્પોરેશન વાસી માર્કેટીંગ મુંબઈને 15 ટન ઘઉં તથા મહેક એન્ટરપ્રાઇઝને 9 ટન ઘઉં, રજની ટ્રેડીંગને 6 ટન ઘઉં મોકલવાના હોય જેથી ચેતનભાઈ સાથે ટ્રાન્સપોર્ટ બાબતે વાત થતા તેમને હીમત ગૌરીના નંબર આપેલ અને કહેલ કે, આ હીમત ગાડી ભાડે બાંધી આપવાનુ કામ કરે છે.તેઓએ તેમને ફોન કરતા તેમને પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશભાઈ ચૈરસીયાની ગાડી ભાડે બાંધી આપેલ જેથી તા. 28/03ના રાત્રી ના પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશ ચૌરાસીયાનું કન્ટેનર કારખાને આવેલ ત્યાં ડ્રાઇવરનુ નામ પુછતા પોતાનુ નામ મશરૂમઅલી સજનુદીન તરીકે ઓળખ આપેલ અને કહેલ કે, મને પ્રીયા ટ્રાન્સપોર્ટમાથી મોકલેલ છે, અમારે વાસી માર્કેટનો માલ ભરવાનો છે. જેથી હીમત ગોરીનો મેસેજ આવેલ હતો.જે મેસેજ સાથે ગાડી વેરીફાય કરતા તે કારખાને આવેલ ટ્રક જ હોવાથી ૩૦ ટન ઘઉં ભરી આપેલ હતા. તેનુ બીલ રૂ.૯.૩૦ લાખ બનાવેલ હતુ. બાદમાં ડ્રાઇવર ટ્રક લઈ ઘઉ સાથે નીકળી ગયેલ હતો. પરંતુ ટ્રક 4 સમયે ન પહોંચતા આ બાબતે પુછતા ગલ્લા તલ્લા કરાતા પોલીસમાં અરજી કરતાં પોલીસ દ્રારા તપાસમાં જાણાવા મળેલ કે ટ્રક જે ૩૦ ટન ઘઉં ભરીને ગયેલ હતો તે કીમ જીઆઇડીસી (સુરત) પાસે ખાલી હાલતમાં નેશનલ હાઇવે ઉપરથી મળી આવેલ છે. જેથી મુંબઈના હીમત ગોરી, પ્રીયા ટ્રાન્સપોર્ટના માલિક સુરેશ ચૈરાસીયા તથા ટ્રક કન્ટેનરનો ચાલક મશરૂમઅલી સજનુદીનએ છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી. ગોંડલ બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.