ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી, મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ
Gondal News : ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલનો લોકમેળો પણ પ્રભાવિત થયો છે. મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રાઇડ્સ બંધ કરવાની ફરજ પડી છે, જેથી મેળાની મજા માણવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વાવણી બાદ પ્રથમવાર ગોંડલમાં આટલો ધોધમાર વરસાદ થયો છે. સતત વરસતા વરસાદને કારણે મેળાના ગ્રાઉન્ડમાં કાદવ અને પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. મેળાનું સંચાલન કરતા સંચાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે મેળામાં આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ મેળાના આયોજકો અને મુલાકાતીઓ માટે તે મુશ્કેલીરૂપ સાબિત થયો છે.
આગામી દિવસોની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે આગામી 48 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે. એક મોન્સૂન ટ્રફનો છેડો નીચે આવીને રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો સુધી પહોંચશે. જ્યારે વાતાવરણના મધ્ય લેવલે પણ એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સના કારણે દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.