Get The App

ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણમાં અશાંતિ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણમાં અશાંતિ 1 - image


Gondal Politics: ગોંડલમાં સાડા ત્રણ દાયકા પહેલા તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરાજાહેર કરાયેલી હત્યાનાં કેસ બાદ સ્થાનિક રાજકારણમાં વારંવાર ગરમાવો આવે છે અને અશાંતિનો માહોલ પણ સર્જાતો રહે છે, એ ઘટનાચક્રમાં આજે એક નવો વળાંક આવ્યો છે. જેમાં મુખ્ય આરોપી એવા રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આજીવન કેદની સજામાંથી વર્ષ 2018માં એનકેન પ્રકારે થયેલી સજામાફી હાઈકોર્ટે રદ કરીને એક મહિનામાં સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે. જેના પગલે ગોંડલનાં રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી ગયો છે.

તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા બાહુબલી નેતા હતા 

ગોંડલના સાડા ત્રણ દાયકા પહેલાના રાજકારણની વાત કરીએ તો તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા લોકપ્રિય ખેડૂત અગ્રણી સાથે બાહુબલી નેતા પણ હતા. તે સમયે તેમણે ગુંડાગીરી સામે જેહાદ શરૂ કરી હતી. ગોંડલની વિધાનસભા બેઠક લેઉવા પટેલ સમાજની જાગીર ગણાતી હતી. કારણ કે 80 ટકા મતદારો પાટીદાર સમાજનાં જ હતા, જેમના બળે પોપટ સોરઠિયા વર્ષ 1971થી 1988 સુધી એક ટર્મને બાદ કરતા ત્રણ ટર્મ માટે ધારાસભ્ય બન્યા હતા. તે બે ટર્મ કોંગ્રેસ તથા એક ટર્મ ચીમનભાઈ પટેલની કિસાન મજદૂર લોક પાર્ટીમાંથી ચૂંટાયા હતા. 

આ સમયે ગોંડલ પંથકમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જબરો ખટરાગ હતો. 

બંને સમાજ વચ્ચે સત્તા માટેની હુંસાતુસી પણ તિવ્ર બનતી જતી હતી. આ અરસામાં 15.8.1988નાં રોજ સ્વાતંત્ર્ય દિવસે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં ધ્વજવંદનનાં કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ અને હજારો લોકોની હાજરીમાં રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાએ ધારાસભ્ય પોપટ સોરઠિયાના માથા પર પિસ્તોલનું નાળચું અડાડીને ફાયરિંગ કરીને હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટના બાદ પટેલ સમાજમાં રીબડાનો ખૌફ પ્રસરી ગયો હતો. જે પછી આરોપી અનિરુદ્ધસિંહનાં પિતા મહિપતસિંહ જાડેજા બે ટર્મ અપક્ષ ચૂંટણી લડી ગોંડલનાં ધારાસભ્ય બન્યા હતા. 

આખરે લોઢુ લોઢાને કાપે તેવી કુટનીતિ વાપરી ભાજપે ગોંડલમાં દબંગ ગણાતા જયરાજસિંહ જાડેજાને ટિકિટ આપીને મહિપતસિંહને હરાવ્યા હતા. અલબત્ત આ સાથે ગોંડલની સત્તાનો તખતો પલટાયો, પરંતુ 80 ટકા મતદારો ધરાવતા લેઉવા પટેલ સમાજને બદલે માત્ર 8 ટકા મતદાર ધરાવતા ક્ષત્રિય સમાજનાં ઉમેદવાર જયરાજસિંહ જાડેજાનો પરિવાર જ અનેક ગંભીર ગુનાના કેસો થવા છતાં ધારાસભ્ય બની રહ્યા છે. જે રાજકીય ગણિત આજ સુધી કોઈ રાજનીતિજ્ઞોને સમજાતું નથી. 

અનિરુદ્ધસિંહે પુત્રને ભાજપની ટિકિટ અપાવવા મહેનત કરેલી

ગત વિધાનસભા ચૂંટણીથી રીબડા જુથ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જુથ વચ્ચે ચાલી રહેલી અસ્તિત્વની લડાઈ લોહીયાળ પણ બનતી આવી છે. હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી ગોંડલનાં રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. વર્ષ 1997થી ધારાસભ્ય પદ ભોગવી રહેલા જયરાજસિંહ જાડેજા પરિવારનાં સમર્થનમાં ગોંડલ પંથકનો બહુધા પાટીદાર સમાજ છે. પરંતુ ગત વિધાનસભા સમયથી ધારાસભ્ય પદ માટે અનિરુદ્ધસિંહ તથા જયરાજસિંહ વચ્ચે કાંટે કી ટક્કર સર્જાઇ હતી. 

અનિરુદ્ધસિંહે તેના પુત્ર રાજદિપસિંહને ભાજપમાંથી ટિકિટ અપાવવી હતી. આ માટે તેમણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી લોબિંગ પણ કર્યું હતું. પરંતુ ભાજપે ગોંડલ બેઠક માટે ફરીવાર જયરાજસિહનાં પત્ની ગીતાબાને ટિકિટ આપતા રીબડા જુથ અને ગોંડલ જુથ વચ્ચે ભડકો થયો હતો. જેમાં રીબડા જૂથ દ્વારા ગોંડલ જૂથના ભાજપ ઉમેદવારને હરાવવા માટે પ્રયાસો કર્યાની પણ ચર્ચા છે. જેની આગ હજુ લબકારા મારી રહી છે. જૂનાગઢમાં દલિત યુવકને મારકૂટ હોય કે અમીત ખુંટ આપઘાત કેસ હોય કે રાજકુમાર જાટ મોત પ્રકરણ હોય. બંને જૂથ એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. 

અનિરુદ્ધસિંહે 18 વર્ષ કેદની સજા ભોગવી, હવે ફરી જેલવાસ થશે

ગોંડલમાં વર્ષ 1988માં ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા બાદ 1993માં અનિરુદ્ધસિંહ જાડેજાને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા હતા. પરંતુ ચુકાદા સામે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાતા 1997માં આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં ત્રણ વર્ષ ફરાર રહ્યા બાદ વર્ષ 2000માં સરન્ડર થઈ જેલહવાલે થયા હતા. આ દરમિયાન તેનાં પુત્ર દ્વારા 2018માં સજા માફી માટે જેલનાં એ.ડી.જી. બિસ્ટને અરજી કરતા અનિરુદ્ધસિંહને 2018માં જેલમુક્ત કર્યા હતા. આમ 18 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. હવે મૃતક પોપટના પૌત્રની અરજીના આધારે હાઇકોર્ટે સજામાફી રદ કરીને આજીવન કેદની સજા કાયમ રાખતા રીબડા જુથને ફટકો પડ્યો છે.

Tags :