સોનું ચમકાવાના બહાને ત્રણને નિશાન બનાવી ૫.૫૬ લાખનું સોનું સેરવી લીધું

ગાંધીનગરમાં સેક્ટર-૭,૧૨ અને
૧૪માં ગઠિયાઓનો તરખાટ
વોશિંગ પાવડર કંપનીના સેલ્સમેન તરીકે ઓળખ આપીને ઘરમાં પ્રવેશ કરી છેતરપિંડી આચરી ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગરમાં સોનુ ચમકાવી આપવાના બહાને દાગીના ઓગાળીને તેમાંથી સોનું સેરવી લેતી ટોળકીનો તરખાટ શરૃ થયો છે અને છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં કુલ ૫.૫૬ લાખ રૃપિયાનું સોનું સેરવી લેવામાં આવ્યું છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે ગઠિયાઓ પણ મેદાનમાં ઉતરી આવ્યા છે અને નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં દાગીના ચમકાવી આપવાના બહાને સોનું સેરવી લેતી ટોળકીનો તરખાટ શરૃ થયો છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સેક્ટર ૭-સી, પ્લોટ નંબર ૧૦૦૧/૧માં રહેતા બિપિનભાઈ મણિલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ અજાણ્યા વ્યક્તિઓ બાઈક પર તેમના ઘરે આવ્યા અને પોતાને વિમ લિક્વિડ કંપનીના સેલ્સમેન તરીકે ઓળખાવ્યા હતા. તેમણે એક તાંબાના લોટા અને ચાંદીની ગણપતિની મૂત પર લિક્વિડ લગાડીને ચમકાવી હતી ત્યારબાદ તેમણે બિપિનભાઈની પત્ની વિણાગબેનના ચાર સોનાના બંગડીઓ સાફ કરી આપવાનું કહ્યું હતું અને આ બંગડીઓ સાફ કરવાના બહાને ૨.૭૦ લાખનો સોનુ સેરવી લીધું હતું . આ જ રીતે શહેરના સેક્ટર ૧૪, પ્લોટ નંબર ૧૬૮/૧માં રહેતા મનુભાઈ સોમાભાઈ કાળીદાસ વાળંદને પણ નિશાન બનાવ્યા હતા અને તેમના ઘરે પહોંચીને તેમની પત્ની કૈલાશબેનને સોનાની બંગડીઓ સાફ કરવા માટે મનાવીને ૧.૨૬ લાખ રૃપિયાનું સોનું સેરવી લીધું હતું. આગઠિયાઓએ શહેરના સેક્ટર ૧૨-બી મકાન નંબર ૪૮૦/૨માં રહેતા ગૃહિણી નસીમબાનુ ફિરોઝશા દિવાનને પણ નિશાન બનાવ્યા હતા. તે અને તેમના સાસુ ઘરે એકલા હતા તે દરમિયાન સોનાની બંગડીઓ ધોઈ આપવાના બહાને ૧.૬૦ લાખ રૃપિયાનું સોનું સેરવી લીધું હતું. ગાંધીનગરમાં એક જ મોડેસ ઓપરેન્ડીથી અલગ અલગ ત્રણ ઘટનાઓ બની છે અને જેમાં કુલ ૫.૫૬ લાખ રૃપિયાનું સોનું છેતરપિંડીથી ચોરી લેવામાં આવ્યું છે જે ઘટનાને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ગઠિયાઓને પકડવા દોડી રહી છે.









