જમીનમાં રોકાણ કરાવવાના નામે 16.50 લાખનું સોનું ઓળવી લીધું

અમદાવાદ અને કલોલના 2 શખ્સો સામે ક્રાઇમ બ્રાંચમાં ગુનો : ફાયનાન્સ મેનેજર તરીકે નોકરી કરતા પ્રૌઢ સાથે તેના મિત્રના પુત્રએ વિશ્વાસઘાત કર્યો
રાજકોટ, : ગાયત્રીનગર શેરી નં. 10/2માં રહેતા અને એક ઓટોમોબાઇલ કંપનીમાં ફાયનાન્સ મેનેજર તરીકે નોકરી કરતાં મુકેશભાઈ ભીમાણી (ઉ.વ. 52)નું જમીનમાં રોકાણ કરાવવાના નામે રૂ. 16.40 લાખનુ સોનુ અમદાવાદ રહેતા આરોપી મધુર અશોક અગ્રાવત અને કલોલના રાયચડા ગામે રહેતા બળદેવ નાનુભાઇ દેસાઇએ ઓળવી લીધાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે.
જેમાં મુકેશભાઈએ જણાવ્યુ છે કે 2007થી 2013 સુધી ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં એક પેઢીમાં કામ કરતા હતા ત્યારે સાથે કામ કરતાં અશોકભાઈના પુત્ર મધુર સાથે ઓળખાણ થઇ હતી. જેણે 2021માં તેને કહ્યું કે તે અમદાવાદમાં એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરે છે. તેની પાસે જમીનની એક મેટર આવી છે. જેમાં થોડોક પ્રોબ્લેમ છે. જે દૂર કરવા માટે પૈસા આપવાની વાત કરી હતી.
તેણે કેટલા રૂપિયા જોઇશે તેમ પૂછતાં જેટલા હોય તેટલા આપવા કહ્યું હતું. જેથી પોતાની પાસે પડેલા 481 ગ્રામ સોનાના દાગીના તેને આપી દીધા હતા. 15 દિવસ બાદ અમદાવાદ બોલાવી જમીનના માલિક સાથે એમઓયુ કરાવ્યા હતા. તે વખતે જમીન ક્લીયર કરવામાં થતો ખર્ચ તેને કરવાનો હતો. જ્યારે એજન્ટ તરીકે મધુર કામ કરવાનો હતો તેવું નક્કી થયું હતું.
તે વખતે મધુરે તેને કહ્યું કે તેના દાગીના પોતાના ઓળખીતા બળદેવ પાસે ગીરવે મૂકી રૂ. 20 લાખ વ્યાજે લીધા છે. એટલું જ નહીં તેના ખાતામાં રહેલા પૈસા પોતાની પત્ની પૂજાબેનના ખાતામાં જમા કરાવવાનું કહેતા તેમ કર્યું હતું. સાથોસાથ રૂપિયા તથા સોનાના દાગીના વળતર સાથે પરત આપવાની ખાતરી આપી હતી. ત્યાર પછી મધુરે રૂ. પાંચ લાખ ચૂકવી આપ્યા હતા. સાથોસાથ 75 ગ્રામ સોનાના દાગીના પણ પરત આપી દીધા હતા. આજ સુધી 400 ગ્રામ સોનાના દાગીના પરત આપતા ન હોવાથી ફરિયાદ નોંધાવી હતી.








